ચાર મિત્ર અને 10 મર્ડર: સેન્સર બોર્ડે બેન કરેલી અનુરાગ કશ્યપની ફિલ્મ જોવાનો મોકો

  • April 04, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપે પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મો બનાવી છે, પરંતુ તેમના દિગ્દર્શનમાં બનેલી પહેલી ફિલ્મ 'પાંચ' ક્યારેય થિયેટરમાં રિલીઝ થઈ ન શકી.

આજથી 48 વર્ષ પહેલા પુણે શહેરમાં સન્નાટો છવાયેલો હતો. ચારેય તરફ ભયાનક શાંતિ હતી. બજારથી લઈને મૉલ ખાલી પડ્યા હતા. રસ્તાઓ પર જવાનો તૈનાત હતા. પણ આનું કારણ શું? તેનું કારણ હતા કૉલેજમાં ભણતા ચાર મિત્રો. આ ચારેયની ટોળકીએ આખા શહેરમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. આ ટોળકીએ હત્યાઓ કરી હતી એ પણ એક-બે નહીં, 10 હત્યાઓ. ચોંકી ગયા ને! હકીકતમાં બનેલી આ ઘટનાને બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપે પડદા પર ઉતારી હતી. આ ફિલ્મનું નામ હતું 'પાંચ'. આ ફિલ્મ બની તો ગઈ પણ ક્યારેય રિલીઝ ન થઈ શકી. સેન્સર બોર્ડે તેને ક્યારેય પાસ ન કરી. આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ જો તમને આ ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો વધારે દૂર જવાની જરૂર નથી. બાજુમાં પડેલા ફોનને ઉઠાવો અને આજે જ આ ફિલ્મ જોઈ નાખો. 

આ ફિલ્મને વર્ષ 2003માં અનુરાગ કશ્યપે લખી અને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મથી તેઓ ડાયરેક્શનમાં પર્દાર્પણ કરવાના હતા. આ ફિલ્મમાં કેકે મેનન, આદિત્ય શ્રીવાસ્તવ, વિજય મૌર્યા, જૉય ફર્નાન્ડિસ, તેજસ્વિની કોલ્હાપુરી જેવા કલાકારો હતા. તેની સ્ટોરી વર્ષ 1976-77માં બનેલા જોશી-અભયંકર સીરિયલ મર્ડર્સને મળતી આવતી હતી. અનુરાગે આ હકીકતમાં બનેલી ઘટનાને પોતાની રીતે બનાવી હતી. 


આ કારણે સેન્સર બોર્ડે ન આપી મંજૂરી 

'પાંચ' થિયેટરમાં રિલીઝ ન થઈ શકી. સેન્સર બોર્ડે હિંસા, નશીલી દવાઓનો ખોટો વપરાશ અને ખરાબ ભાષાને કારણે આ ફિલ્મ પર વાંધો વ્યક્ત કર્યો હતો. જો  કેટલાક કટ માર્યા બાદ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી પણ આપી, પરંતુ અનુરાગે તેનો વિરોધ કર્યો હતો. આ ફિલ્મ માટે એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મની વાર્તા લોકોને વિચલિત કરી શકે છે અને પ્રોડક્શન પાસે ફિલ્મનું ફરીથી શૂટિંગ કરવા માટે બજેટ ન હતું. જેના કારણે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ ન થઈ શકી. 


મફતમાં જોઈ શકો છો આ ફિલ્મ 

આ ફિલ્મને ટોરેન્ટ વેબસાઇટ્સ દ્વારા દર્શકો સુધી પહોંચાડવામાં આવી. તેને ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દેખાડવામાં આવી. તમે પણ આ ફિલ્મ જોવા માંગતા હોવ તો યૂટ્યુબ પર જોઈ શકો છો. 


રૂંવાડા ઊભા કરી દે એવી સત્ય ઘટના 

જાન્યુઆરી 1976થી માર્ચ 1977 વચ્ચે પુણેમાં રાજેંદ્ર, દિલીપ, શાંતરામ અને મુનવ્વરે 10 હત્યાઓ કરી હતી. આ ચારેય અભિનય કલા મહાવિદ્યાલયમાં ભણતા હતા. આ ટોળકી દારૂ પીવા માટે બદનામ હતી. આ ટોળકીએ પોતાની સાથે જ ભણતા એક વિદ્યાર્થીનું અપહરણ કર્યું. તેની પાસેથી પિતા માટે એક નોટ લખાવી કે તે ઘર છોડીને જઈ રહ્યો છે અને પછી તેની હત્યા કરી દીધી. અલગ-અલગ શહેરોમાં જઈને આ ટોળકીએ એક પછી એક 10 હત્યાઓ કરી. વર્ષ 1983માં ગુનાઓ માટે તેઓને ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application