ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો રાખવા સબબ મોટા માંઢા ગામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

  • June 16, 2021 11:19 AM 

આશરે અઢી દાયકાથી સરકારી જમીન પચાવી પાડનાર શખ્સની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસ્તિત્વમાં આવેલા લેન્ડ ગ્રેબિંગના નવા કાયદાથી ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરનારા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આશરે પોણો ડઝનથી વધુ લેન્ડ ગ્રેબિંગના નોંધાઈ ચૂક્યા છે.

આ સાથે ખંભાળિયા તાલુકામાં સરકારની કિંમતી જમીન બિન અધિકૃત રીતે પચાવી પાડવા સબબ મોટા માંઢા ગામના ખેરાજ રાયા ગઢવી નામના શખ્સ સામે ગઈકાલે અહીંની પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 282/1 ની 2-14-48 (14 વીઘા) ક્ષેત્રફળ ધરાવતી જમીન સરકાર દ્વારા વર્ષો અગાઉ મોટા માંઢા ગામના પાલાભાઇ નારણભાઈ નકુમ નામના એક આસામીને સાથણીમાં આપવામાં આવી હતી. તે જગ્યાએ નવી શરતની હતી અને બાદમાં તેમના દ્વારા વર્ષ 1997માં નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી, પ્રાંત અધિકારીના રીવ્યુ હુકમ થયા પહેલા મોટા માંઢા ગામના ગઢવી ખેરાજ રાયાને રૂ. 35 હજારમાં વેચાણ દસ્તાવેજથી આ જગ્યા વેચી નાખવામાં આવી હતી. હાલ પાલાભાઈ નારણભાઈ ઘણાં સમય પૂર્વે અવસાન પામ્યા છે.

આ અંગેની સરકારી કાર્યવાહી બાદ શરતભંગ અંગેની બાબત ધ્યાને આવતા મામલતદાર દ્વારા નવીમાંથી જુની શરતમાં જમીન તબદીલ કરવાનો હુકમ રદ કરવામાં આવ્યો હતો અને જગ્યા શ્રી સરકાર થઈ ગઈ હતી. તે વખતથી આ જગ્યા રેવન્યુ રેકોર્ડમાં શ્રી સરકાર જ ચાલે છે.

1997 થી જગ્યા ખેરાજ રાયા ગઢવી પાસે હોય અને આ જગ્યા સરકારને નહીં સોંપીને આજદિન સુધી આ જગ્યા પર વાવણી કરી, તેનો ઉપભોગ કરતા હોવાથી સરકારની આ જમીન પચાવી પાડવામાં આવી હોવાનું તંત્રની તપાસમાં જાહેર થયું છે.

જંત્રી મુજબ રૂ. 6,86,336/- ની અને આશરે રૂપિયા 14 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી 14 વીઘા જેટલી જમીન પ૨ ગેરકાયદેસર રીતે પચાવી પાડવા સબબ ખંભાળિયાના સલાયા- હાપા લખાસરના સર્કલ ઓફિસર મિલનભાઈ દિનેશભાઈ નિમાવત (ઉ. વ. 37) ની ફરિયાદ પરથી  ખંભાળિયા પોલીસે ખેરાજ રાયા ગઢવી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધી, અહીંના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી તથા રાઇટર શક્તિસિંહ જાડેજા, હરદાસભાઈ ચાવડા વિગેરે દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રોગતિમાન કરી, આરોપીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS