દેખરેખ રાખનાર પાસે વર્ષેાથી કબજો હોય પણ તે કબજો માલિકની વિરુધ્ધ ન હોઇ શકે

  • January 03, 2024 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની નજીકના અમરગઢ ભીંચરી ગામની સીમમાં આવેલી વિદેશ રહેતા માલિકની કિંમતી જમીનની વર્ષેાથી દેખરેખ રાખનારે જમીન ઉપર પોતાનો કબજો કાયદાની પ્રસ્થાપિત જોગવાઈઓ અનુસર્યા વિના દૂર નહિ કરવાનો કરેલો દાવો સિવિલ કોર્ટે ફગાવી દીધો છે. આ કેસની મુળ હકીકત મુજબ, વાદી કોર્ટ સમક્ષ એવા કથન સાથે આવેલ કે ખેતીની જમીનના મુળ માલીક આશરે ૩૦ વર્ષ કરતા વધુ સમયથી અમેરિકા મુકામે રહેતા હોય અને તેઓને ખેતીકામ કરતા આવડતું નથી. આ જમીનોનું ધ્યાન રાખવા દાવો લાવનાર વ્યકિતને તેમના કબ્જામાં મુકવામાં આવેલ અને મહેનતાણાં પેટે જમીનની જે ઉપજ–નીપજ આવે તે તમામ દાવો લાવનારે રાખવાનું નકકી થયેલ, તેમજ દેખરેખ રાખનારે જમીનની જાળવણી માટે ત્યાં પાણીની તથા રહેવાની સુવિધાઓ બનાવેલ. પરંતુ, હવે ખેતીની જમીનના મુળ માલીકે જમીનો વેચાણ કરવાનું નકકી કરેલ હોય જેથી દેખરેખ રાખનાર દ્રારા રાજકોટની સિવિલ કોર્ટમાં દાવો લાવી દાદ માંગવામાં આવી હતી કે કાયદાની પ્રસ્થાપિત જોગવાઈ અનુસર્યા વગર તેને કબ્જામાંથી દુર કરવો નહીં અને તેનો કબ્જો ૩૦ વર્ષ કરતા ઉપરાંતથી હોવાથી પણ મુળ માલીકને દેખરેખ રાખનારને દુર કરવાનો હકક રહેતો નથી.
આ દાવાના કામે મુળ માલિકને સમન્સનોટીસ બજતા તેણે સી.પી.સી. ઓર્ડર ૭ લ ૧૧ હેઠળ અરજી કરી એવી રજુઆત કરી હતી કે, હાલના વાદી એટલે કે ખેતીની જમીનોની દેખરેખ રાખનારને ખેતીની જમીનોના મુળ માલિક સામે આવો દાવો કરવા કોઈ હકક ન હોય અને તે કારણસર આ દાવો રદ કરવો જોઈએ. વધુમાં એવી પણ દલીલ કરવામાં આવેલ કે, ચોકીદાર કે દેખરેખ રાખનાર વ્યકિત તે મુળ માલીક વતી કબ્જામાં હોય છે, જેથી તેનો કબ્જો પણ મુળ માલીક વતી જ ગણાય. જેથી વાદીને દાવો લાવવાનું કારણ ઉત્પન્ન થયેલ ગણાય નહીં. આ દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ રજુ કરવામાં આવેલ. જેમાં સિમાચિન્હ ગણાતા મારીયા માર્ગેરીડા વિધ્ધ ઈરાસ્મો જેકના ચુકાદા ઉપર આધાર રાખી વાદીનો દાવો પ્રથમથી જ રદ કરવા માંગણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્રારા પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંત મુજબ ચોકીદાર કે દેખરેખ રાખનાર વ્યકિત કેટલા પણ વર્ષેાથી કબ્જામાં હોય શકે, પરંતુ તેનો કબ્જો મુળ માલીક વિધ્ધ હોય શકે નહી. જે ધ્યાને લઇ, રાજકોટની દિવાની અદાલતે કાયદાની ઉંડાણપુર્વકની ચર્ચા કરતો મહત્વપુર્ણ ચુકાદો આપતા એવું ઠરાવવામાં આવેલ છે કે, આ કાયદાના સિધ્ધાંતો મુજબ જે કથન સાથે વાદી કોર્ટ સમક્ષ આવેલ છે તેમાં વાદી એટલે કે દેખરેખ રાખનારને કાયદાકીય રક્ષણ મળી શકે નહીં અને મુળ માલીક સામે તે આવી દાદ માંગવા કે મેળવવા પ્રથમથી જ હકકદાર નથી.
આ કામમાં જમીનના મુળ માલીક વતી સેજપાલ એસોસીએટસના રશેષ સી. સેજપાલ તથા સંદીપ આર. જોષીએ હાજર રહી દલીલો કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application