એક અંધ યુવક તેની પ્રેમિકા સાથે ભાગી ગયો અને ફિલ્મી સ્ટાઈલમાં કોર્ટમાં લગ્ન કરી લીધા

  • February 14, 2025 11:13 AM 

આને કહેવાય સાચો પ્રેમ : એક અંધ યુવક અવાજ સાંભળીને પ્રેમમાં પડ્યો, તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે બીજા રાજ્યમાં લઈ ગયો અને પછી કોર્ટ મેરેજ કર્યા...



આપણે ફિલ્મો અને સિરિયલોમાં ઘણી વખત જોયું છે અને સમાચારોમાં વાંચ્યું છે કે પ્રેમી પોતાની ગર્લફ્રેન્ડ સાથે ભાગી જાય છે. પરંતુ જો પ્રેમી તેની આંખોથી જોઈ શકતો નથી અને તેમ છતાં તે તેના પ્રેમીકાને લગ્ન માટે લઈ ને ભાગી જાય ! વિશ્વાસ નથી થતો ને પણ આ સત્ય છે. 


અમે વાત કરી રહ્યા છીએ જામનગરના હરેશ ભાઈ હિંડોચાની જે પોતાની આંખોથી જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમની પત્ની પૂજા બેનની આંખોથી દુનિયાને જુએ છે. હરેશ ભાઈએ પૂજા બહેન સાથે લગ્ન કરવા માટે જે પ્રયત્નો કર્યા છે તે આંખે થી જોઈ શકનાર વ્યક્તિ પણ કદાચ જ કરી શકે.



પ્રેમ સાચો હોય તો આખું બ્રહ્માંડ સાથ આપવા આગળ આવે છે, હરેશ ભાઈ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. લગભગ 9 વર્ષ પહેલા જ્યારે હરેશ ભાઈએ પૂજા બેનને પ્રપોઝ કર્યું હતું. તે સમયે પૂજા બેન અને હરેશ ભાઈની બહેન મિત્રો હતા. હરેશ ભાઈના ઘરે પૂજા બહેન આવતી-જતી. વાતચીત દરમિયાન પૂજા બહેનનો અવાજ હરેશ ભાઈના કાને પહોંચ્યો અને હરેશ ભાઈ તેમના અવાજના પ્રેમમાં પડી ગયા. જ્યારે હરેશ ભાઈએ વેલેન્ટાઈન ડે પર પૂજા બેનને પ્રપોઝ કર્યું ત્યારે તેણીએ તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. તે સમયે હરેશ ભાઈ બહુ કમાતા ન હતા, છતાં પૂજાએ તેમના સાચા દિલ અને પ્રેમ પર વિશ્વાસ રાખીને તેમના પ્રેમને સ્વીકાર કર્યો અને તેમની સાથે લગ્ન કર્યા. તેની પાછળ પૂજાબેન કહે છે કે તેમને હરેશ ભાઈ દિલના સ્વચ્છ અને દયાળુ વ્યક્તિ લાગ્યા હતા જે ખરેખર છે, આ વિશેષતા ઘણા બધા આંખે જોઈ શકતા લોકોમાં પણ મળતી નથી, એટલેજ પૂજા બેને હરેશ ભાઈનો પ્રેમ અને વિવાહ પ્રસ્તાવ સ્વીકાર્યો.


પરંતુ દરેક લવસ્ટોરીની જેમ તેમની લવસ્ટોરીમાં પણ ટ્વિસ્ટ તો હતો જ. પૂજા બેનના પરિવારના સભ્યો હરેશભાઇ સાથે તેમના સંબંધ માટે તૈયાર ન હતા. અને તે કેવી રીતે હોઈ શકે... પરિવારના દરેક સભ્યની જેમ, પૂજાબેનના પરિવારને પણ પૂજાબેન માટે એક સામાન્ય છોકરો જોઈતો હતો. હરેશ ભાઈ જણાવે છે કે પૂજાબેનના પરિવારના સભ્યો વિચારતા હતા કે અંધ વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી તેમના બાળકો પણ અંધ થશે.


પરંતુ પૂજાબેનએ જોઈ ન શકનાર આ વ્યક્તિનો પ્રેમ સ્વીકારી લીધો હતો. ઘણી સમજાવટ બાદ પણ જ્યારે પૂજાબેનના પરિવારજનો રાજી ન થયા ત્યારે બંનેએ ભાગીને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. બધી ગોઠવણ કર્યા પછી બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા અને પછી હરેશ ભાઈ પૂજાબેનને મુંબઈ લઈ ગયા.


મુંબઈમાં થોડો મુશ્કેલ સમય વિતાવ્યા બાદ તેઓ ગુજરાત પાછા આવ્યા. થોડો સમય તેમના પરિચિતો સાથે રહ્યા. ધીરે ધીરે હરેશ ભાઈએ પોતાને અપડેટ કર્યા અને આગળ વધતા ગયા. પોતાના પરિવારને ખુશ રાખવા માટે, તે દિવસ-રાત સખત મહેનત કરે છે અને કોઈ આંખે જોઈ શકતા સામાન્ય વ્યક્તિની જેમ કમ્પ્યુટર ઓપરેટ કરવું, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ રમવી, બ્રેલ સ્ક્રિપ્ટ દ્વારા પુસ્તકો વાંચવા જેવા લગભગ તમામ કાર્યો કરે છે.


હવે હરેશ ભાઈ અને પૂજા બેનનો સુખી પરિવાર છે અને બંનેને એક સુંદર બાળક છે, જે પૂજા બેન જેમ આંખોથી જોઈ શકે છે. હરેશ ભાઈ જામનગરમાં અંધજન વૈવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં કોમ્પ્યુટર ટ્રેનર તરીકે કામ કરે છે. તે પૂજા બેનને ઘરના દરેક કામમાં મદદ પણ કરે છે અને પૂજા બેન પણ હરેશ ભાઈની આંખોનું કામ કરે છે અને તેને દુનિયા બતાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application