વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવાયું, 22 સ્ટોલમાં સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે

  • October 02, 2024 10:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે. 


આ પેવેલીયનમાં તા. ૩ થી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાશે. આ સ્ટોલમાં રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે. આ પેવેલિયન રાજ્યભરના સ્વયં સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી અનોખી કળા અને હસ્તકલા દર્શાવશે. આ મંચ દ્વારા ગ્રામીણ મહિલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળશે તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવાયું હતું. 


હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથે આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરાશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ મુકાઈ છે. બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ બનાવાયા છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકશે. સરસ મેળાની ઓળખ "I Love Saras" ફોટોબૂથ પણ બનાવાયું છે. 


પેવેલીયનમાં બે ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી મેળવી શકશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત ગુજરાતના સખી મંડળો થકી ઉત્પાદીત વસ્તુઓનો ડિજિટલ કેટલોગનું  લોકાર્પણ પણ કરાશે.


વાયબ્રન્ટ નવરાત્રીમાં દરરોજ ૩૦ થી ૪૦ હજાર લોકો મુલાકાત કરે છે જેથી આ મહિલાઓને સારું માર્કેટ મળશે જે ભારતની વૈવિધ્યસભર કારીગર હિરિટેજને જાળવી રાખવામાં મદદરૂપ બનશે. આ સરસ મેળાનું  થીમ પેવિલિયનએ ગુજરાતની ઉત્ક્રુષ્ઠ કલા વારસાની ઉજવણી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની હસ્તકલા વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application