ધ કેરલ સ્ટોરીનો વિવાદઃ જરૂર લાગતા સુપ્રીમ કોર્ટના જજ પણ ફિલ્મ જોશે

  • May 20, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અદા શર્માની ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકવાની અરજીઓનો મામલો
  • સર્વોચ્ચ અદાલતમાં 18 જુલાઇએ થશે વધુ સુનાવણી


વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલ સ્ટોરી પર પશ્ચિમ બંગાળ સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. સાથે ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકવા અંગેની અરજીઓ પર સુનાવણી પહેલાં સુપ્રીમના જજ પણ આ ફિલ્મ જોવાના છે. કોર્ટે કહ્યું કે આની પર પ્રતિબંધ મુકવા માટેનું કોઇ યોગ્ય કારણ નથી. કોર્ટે તમિનલાડુ સરકાર પર પણ સખત ટીપ્પણી કરતા કહ્યું કે, તમિલનાડુ સરકાર સિનેમાઘરોને સુરક્ષા પુરી પાડે. સિનેમા માલિકો પર કોઇ પણ પ્રકારનું દબાણ લાવવામાં ન આવે.


સુપ્રીમ કોર્ટે ફિલ્મના નિર્માતાઓને એક નવું ડિસ્ક્લેમર મૂકવા પણ કહ્યું છે. એમાં કહેવામાં આવે કે 32000 ગુમ થયેલી છોકરીઓના આંકડાની પુષ્ટિ થઈ નથી. કોર્ટે આ નવું ડિસ્ક્લેમર 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં મુકવા જણાવ્યું છે.


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 3 જજોની બેંચે કહ્યું કે તે ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકવાના હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી અરજીઓની પણ સુનાવણી કરશે. જેની સુનાવણી 18 જુલાઈએ થશે એ પહેલા જો જરૂર પડશે તો જજ આ ફિલ્મ જોશે.


આની પર જમીયત ઉલેમા એ હિંદના વકીલ હુઝેફા અહમદીએ ન્યાયાધીશોને જલ્દી ફિલ્મ જોવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યુ કે, શક્ય હોય તો ન્યાયાધીશ આ જ સપ્તાહમાં ફિલ્મ જોઇ લે. વકીલે કહ્યુ કે ફિલ્મને OTT પર પ્રસારિત થતા રોકવામાં આવે. જો કે કોર્ટે વકીલની માંગણી પર કોઇ ટીપ્પણી કરી નથી.


ફિલ્મમાં કેરળની હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓની વાર્તા બતાવવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંગઠિત લવ જેહાદ ગેંગનો શિકાર બનીને હજારો છોકરીઓએ ધર્મ પરિવર્તન કર્યું હતું. બાદમાં તેમને આતંકવાદી સંગઠન ISISની ગતિવિધિઓમાં ભાગ લેવા માટે ભારતની બહાર મોકલી દેવામાં આવી હતી.


આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે જમીયત ઉલેમાંએ હિંદ, કુર્બાન અલી સહિત અનેક અરજી કરનારાઓએ મદ્રાસ અને કેરળ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ હાઇકોર્ટે પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.


6 મે ના દિવસે આ ફિલ્મ આખા દેશમાં રીલિઝ થઇ હતી અને બોક્સ ઓફિસ પર લગાતાર આ ફિલ્મનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે આ ફિલ્મને કારણે રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકાએ ફિલ્મ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આજે એટલે કે 18 મેના દિવસે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના દાવાને નિરાધાર બતાવીને પ્રતિબંધ હટાવી દીધો હતો.


તમિલનાડુમાં પણ કથિત રીતે રાજકીય દબાણને કારણે ફિલ્મને રજૂ થતી અટકાવી દીધી હતી. તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે, અમે ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો નથી, પરંતુ લોકો જ સિનેમાઘરોમાં જતા નથી એટલે સિનેમાઘરોએ જાતે જ ફિલમને હટાવી દીધી છે.



જેના જવાબમાં ફિલ્મ નિર્માતાઓના વકીલ હરિશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે અનેક સિનેમાઘરોમાં ફિલ્મના શો દરમિયાન 90 ટકાથી 100 ટકા સુધી દર્શકોની હાજરી હતી. છતા પણ અચાનક શો રદ કરી દેવામાં આવ્યો હતો. એની પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને ખખડાવતા કહ્યુ હતું કે સિનેમાઘરોને  પુરતી સુરક્ષા પુરી પાડવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application