સૌરાષ્ટ્રનું યુવાધન નશાના રવાડે, ડ્રગ્સના બંધાણી પાન મસાલાની પડીકીમાં એમ.ડી. ડ્રગ્સ ભેળવીને લેતા....

  • March 18, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.ઓ.જી. પોલીસના ઓપરેશનમાં સાડા બાર લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે મુસ્લિમ શખ્સની ધરપકડ : અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાધન નશીલા પદાર્થોના સેવન તરફ વળી રહ્યા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે અહીંના જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના સમગ્ર પોલીસ તંત્રને કડક પગલા સાથે કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હરકતમાં આવી અને જરૂરી કામગીરી હાથ ધરી છે.

 

 

જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ યુવાધન નશીલા પદાર્થોથી દૂર રહે તે માટે એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે મંગળવારે ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડાંગર તથા નિલેશભાઈ કારેણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના ત્રણ પાટિયા રોડ ઉપર આવેલા એક બસ સ્ટેન્ડ પાસે રહેલા મૂળ ભાણવડના રહીશ અને હાલ મહારાષ્ટ્રના મુંબઈના મીરા રોડ ખાતે રહેતા તથા કાપડનો ધંધો કરતાં મહંમદહુશેન અલી રિંડાણી નામના 54 વર્ષના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

 

 

એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં પોપટ બનેલા આરોપી મહમદહુશેનએ પોતાની પાસે રહેલું એમ.ડી. ડ્રગ્સ પોલીસે કાઢી આપતાં પોલીસે 124.5 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 12,45,000 ની કિંમતના એમ.ડી. ડ્રગ્સ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન રૂપિયા 750 રોકડા, ડ્રગ્સ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની નાની - મોટી કોથળી, પાન મસાલા, વિગેરે મળી કુલ રૂપિયા 12 લાખ 51 હજાર 358 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ વિધિવત્ રીતે ધરપકડની તજવીજ હાથ ધરી છે.

 

 

આ પ્રકરણમાં થાણે વિસ્તારના નાલાસોપારાના રહીશ મુન્નાભાઈના માણસ સંતોષ તથા જામનગરના રહીશ અને ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા સિરાજ નામના બે શખ્સોના નામ પણ મદદગારી સબબ ખુલ્યા છે. જેને હાલ પોલીસે ફરાર ગણી આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

 

 

ઝડપાયેલા આ શખ્સની વધુ તપાસ અર્થે આરોપીનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. જે સંદર્ભે ભાણવડ પોલીસે એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ.ડી. પરમારની ફરિયાદ પરથી એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઇ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

 

વધુમાં જાણવા મળતી વિગત મુજબ અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓના સપ્લાય માટે આવી ચૂકેલો મહમદહુશેન પોતે પણ નશીલા માદક દ્રવ્યોના સેવનનો બંધાણી છે. એમ.ડી. ડ્રગ્સના બંધાણી પાન મસાલાની પડીકીમાં આ ડ્રગ્સ ભેળવીને લેતા હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે.

 

 

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જીના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એ.ડી. પરમાર, એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, લખમણભાઈ આંબલીયા, મહમદભાઈ બ્લોચ, અશોકભાઈ સવાણી, જીવાભાઈ ગોજીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, અરશીભાઈ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, સુરેશભાઈ ગઢવી, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા, રોહિતભાઈ થાનકી, કિશોરભાઈ ડાંગર તથા રાકેશભાઈ સિધ્ધપુરા દ્વારા કરવામાં આવી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS