જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વયોવૃદ્ધ ૭૩ દિવસની મેરેથોન કોરોનાની સારવાર પછી જિંદગીનો જંગ જીત્યા

  • June 18, 2021 11:33 AM 

કોરોના સંક્રમિત બન્યા પછી સરકારી જી.જી. હોસ્પિટલમાં ૪૫ દિવસની વેન્ટિલેટરની સારવાર મેળવ્યા પછી પણ કોરોનાને મહાત આપી આજે ઘેર પરત પહોંચતાં પરિવારમાં ખુશી : પતિ-પત્ની બન્ને કોરોનાગ્રસ્ત બન્યા પછી પત્ની સાથ છોડી ગયા હોવાથી આઘાત અનુભવ્યો હતો

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા એક વૃદ્ધ દર્દી માટે ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વયોવૃદ્ધ કે જેઓ કોરોનાગ્રસ્ત બન્યા પછી ૭૩ દિવસની લાંબી સારવાર મેળવી ને આખરે કોરોનાનો જંગ જીતીને આજે પોતાના ઘેર પરત ફર્યા છે, જેથી પરિવારે ખુશી વ્યક્ત કરી છે. તેઓના પત્ની કોરોનાનો જંગ હારી ગયા છે, અને તેઓ કોરોનાની સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજયું હતું. જેનો પરિવારને રંજ રહેશે. ૪૫ દિવસની વેંન્ટિલેટરની સારવાર પછી પણ કોરોના ને માત આપી હોવાથી જી.જી. હોસ્પિટલના તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.

જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનોજભાઈ કુરજીભાઈ પરમાર નામના ૭૦ વર્ષના બુઝુર્ગ ગત ૬.૪.૨૦૨૧ ના દિવસે પોતાના ઘેર કોરોના સંક્રમિત બની ગયા હતા. તેઓની સાથે તેમના પત્ની ભાનુબેન પણ કોરોના ગ્રસ્ત બન્યા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવે તે પહેલાં જ ભાનુબેને માર્ગમાં દમ તોડી દીધો હતો. જ્યારે મનોજભાઈ પરમાર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.

એક તરફ પત્ની ભાનુબેન પોતાનો સાથ છોડી ગયા હતા, જ્યારે પોતે પણ કોરોના ગ્રસ્ત બની ગયા હોવાથી જી.જી. હોસ્પિટલમાં તેઓની તબીયત નાજુક બની હતી અને સતત ૪૫ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ જી.જી. હોસ્પિટલની સારવાર ને લઈને તેઓ ધીમે ધીમે સ્વસ્થ થતા ગયા હતા, અને આખરે ૭૩ દિવસ ની લાંબી સારવાર મેળવી ને કોરોના સામેનો જંગ જીતી ગયા હતા, અને જી.જી.હોસ્પિટલમાં થી આજે તેઓને રજા આપવામાં આવી હતી. જેથી પરિવાર સાથે ખુશી વ્યક્ત કરીને પોતાના ઘેર પરત ફર્યા હતા.

જી.જી.હોસ્પિટલમાં ૭૩ દિવસની લાંબી સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબો તથા અન્ય સ્ટાફે મનોજભાઈ ની સંપૂર્ણ ધ્યાન રાખીને સુશ્રુષા કરી હોવાથી આખરે કોરોના નો જંગ જીતવામાં સફળતા મળી હોવાથી સમગ્ર સ્ટાફ અને હોસ્પિટલના તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારજનોએ મનોજભાઈ પરમાર ઘેર આવી જતાં હાશકારો અનુભવ્યો છે, પરંતુ ભાનુબેન ના મૃત્યુને લઈને પરિવારમાં રંજ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS