ધ્રોલના વિરાણી ખીજડીયા ગામમાં ૪૫ વર્ષના યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ હાર્ટએટેકથી મૃત્યુ નિપજયાનું બહાર આવ્યું છે, બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે, નાની વયે હૃદયરોગના ઘાતક હુમલાના બનાવો ચિંતાનું કારણ બન્યા છે.
ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા ગામમાં રહેતા મુકેશભાઈ પુનાભાઈ ગોહિલ નામના ૪૫ વર્ષના યુવાનને પોતાના ઘેર અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેને સારવાર માટે પડધરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ પુનાભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા પડધરીની હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી યુવા વર્ગમાં હૃદયરોગના જીવલેણ હુમલાના બનાવો સામે આવી રહયા છે જેનાથી ચિંતાની લાગણી જન્મી છે, તાજેતરના જુદા જુદા બનાવોમાં યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજયા હતા, દરમ્યાન વધુ એક બનાવ સામે આવતા શોકની લાગણી પ્રસરી ગઇ છે.