સફાઈ કામદાર વિકાસ નિગમની વાહન ટર્મ લોનથી ભાવનગરનાં ૨૧ વર્ષીય યુવાન બન્યો પગભર

  • August 07, 2024 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા અનુસૂચિત જાતિનાં સફાઇ કામદારોને અપાતી વાહન ટર્મ લોન દ્વારા ભાવનગરના એક યુવાને ઓછાં વ્યાજે કાર ખરીદી પગભર બનવાનો મોકો મેળવ્યો છે. રાજ્ય સરકારનાં આ પ્રયત્નથી આ યુવાનને રોજગારીનું સાધન મળ્યું છે અને કારમાલિક બનવાનો આનંદ પણ મળ્યો છે. 



  ગુજરાત સરકારનાં જાહેર સાહસ પૈકીનાં એક ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુન:સ્થાપન માટે વિવિધ યોજનાઓ અમલી બની છે ત્યારે વાહન ટર્મ લોન યોજનાથી અનેક યુવાનો લોન મેળવીને રોજગારીનું સાધન અને સ્વતંત્ર વ્યવસાય મેળવી રહ્યા છે.


 ભાવનગરના દીપક ચોક વિસ્તારમાં રહેતા  જીગલ વિજયભાઈ વાડોદરાએ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને અપાતી વાહન ટર્મ લોન થકી દસ લાખ રુપિયાનું ધિરાણ મેળવ્યું છે. જેમાંથી તેમણે મારુતિ અર્ટિગા ખરીદી તેનાં ફેરા શરૂ કર્યા છે. ગાડીનાં ફેરા દ્વારા તેઓ પોતાના પરિવારનું ગુજરાન સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે ઉપરાંત ગાડીના ફેરા કરવાનો સ્વતંત્ર વ્યવસાય પણ મળ્યો છે. 
  ભાવનગરમાં આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામક કે. એફ. મકવાણાએ આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા વાહન ટર્મ લોન યોજનામાં યુનિટ કોસ્ટ નક્કી કરી જાહેરાત આપવામા આવે છે જેમાં ૬% વ્યાજ દરે વાહન લોન આપવામાં આવેલ છે. જેની પરત ચુકવણીનો સમય પાંચ વર્ષનો એટલે કે ૬૦ હપ્તાનો છે આ યોજના હેઠળ ૭૫,૦૦૦ સુધીની સબસિડી મળવાપાત્ર છે.આમ, રાજ્ય સરકારના સર્વાંગી વિકાસનાં અભિગમ થકી ભાવનગરનાં આ યુવાનને સરળ લોન અને સબસિડી થકી ઉન્નત જીવનનો માર્ગ મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application