BREAKING NEWS

ધૂરંધર જોઈ 12 વર્ષના સગીરે બોમ્બથી અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી'તી, પોલીસે ચકચારી કેસનો ભેદ ઉકેલ્યો

  • June 10, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીનો ભેદ આખરે નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચકચારી કેસમાં જે સત્ય બહાર આવ્યું છે તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. કોઈ આતંકવાદી સંગઠન નહીં પરંતુ સુરતના કાપડ વેપારીના ૧૨ વર્ષના દીકરાએ માત્ર મજાક ખાતર આ આખું કારસ્તાન રચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 'ધુરંધર' ફિલ્મ જોયા બાદ બાળકના મગજમાં આવેલા આ વિચિત્ર આઈડિયાએ બે દિવસ સુધી અમદાવાદ પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી.


ઘટનાની વિગત એવી છે કે પહેલી જૂને સ્પોર્ટ્સ ક્લબના એક રૂમમાંથી પેન્સિલથી અંગ્રેજીમાં લખેલી એક શંકાસ્પદ ધમકીભરી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને કુખ્યાત આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તોઈબા' ના નામનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ચિઠ્ઠીમાં ૨૧ જૂનના રોજ ક્લબની અંદર મોટો બોમ્બ બ્લાસ્ટ કરવાનો ગંભીર પડકાર ફેંકવામાં આવ્યો હતો. આટલી સંવેદનશીલ ધમકી મળતાની સાથે જ ક્લબ વહીવટીતંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી.


પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે જે રૂમમાંથી આ ધમકીભરી ચિઠ્ઠી મળી આવી હતી, તે રૂમ પલક ડોક્ટર નામના વ્યક્તિના રેફરન્સથી બુક કરવામાં આવ્યો હતો. આ રૂમમાં ૨૯મી મેએ ત્રણ વિદેશી વેપારીઓ આવીને રોકાયા હતા અને ૩૦મી તારીખે તેઓએ ચેકઆઉટ કર્યું હતું. આ વિદેશી નાગરિકો હજી પણ ભારતમાં જ હોવાની વિગતો મળતાં પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી. રૂમ ખાલી થયા બાદ જ્યારે હાઉસકીપિંગ અને સફાઈકર્મીઓ રૂમની સફાઈ કરવા અંદર ગયા, ત્યારે તેમને કબાટના ઈલેક્ટ્રોનિક લોકરમાંથી આ પેન્સિલથી લખાયેલી ચિઠ્ઠી મળી આવી હતી.

ધમકીની ગંભીરતા જોઈને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસની અનેક ટીમો તાબડતોબ સ્પોર્ટ્સ ક્લબ ખાતે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ક્લબ પરિસર અને તે રૂમને ઘેરી લઈને સતત બે કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે, ઝીણવટભરી તપાસના અંતે ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા ન હતા, જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ધમકી કોણે આપી તેની તપાસ તેજ કરી હતી.


સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ લોગ્સે ખોલ્યો સુરતના પરિવારનો ભેદ

નારણપુરા પોલીસ અને સાયબર નિષ્ણાતોએ આ કેસ ઉકેલવા માટે ક્લબના સીસીટીવી (CCTV) ફૂટેજ અને રૂમમાં આવેલા ડિજિટલ લોકરના ઓપનિંગ-ક્લોઝિંગ લોગ્સની ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે વિદેશી વેપારીઓ પહેલાં આ રૂમમાં સુરતનો એક કાપડ વેપારી પરિવાર રોકાયો હતો. આ પરિવારના રોકાણ દરમિયાન જ લોકર ઓપરેટ થયું હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસે તરત જ કડીઓ જોડીને સુરતના આ વેપારી પરિવારનો સંપર્ક કર્યો અને કડક પૂછપરછ હાથ ધરી હતી.


ફિલ્મ જોઈને સૂઝી મજાક: બાળકે કબૂલ્યું આખું કારસ્તાન

પોલીસની પૂછપરછ દરમિયાન વેપારીના ૧૨ વર્ષના દીકરાએ રડતા-રડતા પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને આખા રહસ્ય પરથી પડદો હટાવ્યો હતો. બાળકે જણાવ્યું કે તે પરિવાર સાથે જ્યારે ક્લબમાં રોકાયો હતો, ત્યારે તેણે ટીવી પર 'ધુરંધર' મૂવી જોઈ હતી. ફિલ્મથી પ્રભાવિત થઈને તેણે માત્ર રમત-રમતમાં અને મજાક ખાતર પેન્સિલથી કાગળ પર દાઉદ અને લશ્કરનું નામ લખીને ધમકીભરી ચિઠ્ઠી તૈયાર કરી હતી.


બાળકે આ ચિઠ્ઠી રૂમમાં રાખેલા ડિજિટલ લોકરમાં છુપાવી દીધી હતી. પરંતુ અચાનક લોકર ઓટોમેટિક લોક થઈ જતાં તે ચિઠ્ઠી અંદર જ રહી ગઈ અને બાળક ડરના માર્યા કોઈને કશું કહી શક્યો નહીં. પરિવાર રૂમ ખાલી કરીને સુરત પરત ફરી ગયો અને ત્યારબાદ આવેલા વિદેશી મહેમાનો પણ લોકરનો ઉપયોગ કરી શક્યા ન હતા. આખરે સફાઈ દરમિયાન લોકર માસ્ટર-કીથી ખોલાતા આ ચિઠ્ઠી બહાર આવી હતી. પોલીસે બાળક સગીર હોવાને કારણે અને માત્ર મજાક હોવાનું સ્પષ્ટ થતાં પરિવારને કાયદાકીય સમજ આપીને મામલો થાળે પાડ્યો છે, પરંતુ આ ઘટનાએ રમત-રમતમાં થતી ગંભીર ભૂલો અંગે લાલબત્તી ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application