ખંભાળિયા: મતદારોની નીરસતા વચ્ચે ચૂંટણીનો ધમધમાટ: ઠેરઠેર ચૂંટણી કાર્યાલયો શરૂ કરાયા

  • February 23, 2021 09:38 AM 239 views

નેતાઓ, કાર્યકરોની દોડધામ: એકપક્ષીય માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી રવિવારે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત તથા બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારોની નીરસતા વચ્ચે ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચૂંટણીના સમીકરણો તથા ચોકઠાઓ ગોઠવવામાં આવી રહ્યા છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 22 બેઠક માટેની આ બીજી સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની કેટલીક મહત્ત્વની બેઠકો પર ભારે ખેંચ- તાણ તથા લોબિંગ બાદ નબળા મનાતા ઉમેદવારોની દાવેદારીએ પણ જિલ્લાના રાજકારણમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

જ્યારે ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તથા દ્વારકા તાલુકા પંચાયતની કુલ 72 બેઠકની ચૂંટણીમાં ખાસ કરીને બન્ને હરિફ પક્ષો દ્વારા પોત-પોતાના ઉમેદવારો લીડ સાથે વિજેતા બને તે માટેની તજવીજ કરાઈ છે. જો કે ખંભાળિયા તથા દ્વારકા તાલુકા પંચાયતમાંં કુલ પાંચ બેઠક બિનહરીફ થઈ ચૂકી છે.

ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી: ઠેરઠેર કાર્યાલય શરૂ કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ વખતે પણ ભાજપ દ્વારા મતદારોની પસંદગી સહિતની બાબતે ખેલવામાં આવેલા સોગઠી દાવએ સમગ્ર શહેરના રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે. આ બાબતે વિવિધ મુદ્દે લોકોમાં ચર્ચાઓએ વ્યાપક જોર પકડ્યું છે. પાલીકાની 28 બેઠક માટેના કુલ 74 ઉમેદવારોમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉગતા સુરજ સામે જોર લગાવાઈ રહ્યું છે. જ્યારે ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પોતપોતાની રીતે પ્રચાર કાર્ય તથા "ગોઠવણ"નો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.

ઠેરઠેર ચૂંટણી કાર્યાલયો શરૂ કરાયા: જો કે મતદારો નિરસ

નગરપાલિકાની ચુંટણીને અનુલક્ષીને ખંભાળિયા નગરપાલિકામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના મોટા ભાગના કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં કેટલાક સ્થળોએ ખાણીપીણીની મોજ તથા મીટીંગોનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. આ કાર્યાલયોના પ્રારંભ માટે જુદા જુદા સ્થળોએથી પાર્ટીના નેતાઓ તથા ઢોલ ત્રાસાની રમઝટ વચ્ચે કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકત્ર કરવામાં આવી હતી. આમ, કેટલાક વોર્ડમાંતો જાણે આ પ્રકારે 'શક્તિ પ્રદર્શન' કરી અને મતદારોને આકર્ષવા તથા રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભાજપની નો રિપીટ થિયરીમાં ટિકિટ ગુમાવી ચૂકેલા હોદ્દેદારો દ્વારા પોતાના સંબંધીઓ- ઉમેદવારોને જીત અપાવવા આ આગેવાનો- હોદ્દેદારો પણ ચૂંટણી જંગમાં ઉતરી ગયા છે.

ચૂંટણીમાં કોંગ્રેસ નીરસ કે ઢીલોઢફ..?? લોકોમાં ચર્ચાતો સવાલ

જો કે આ ભપકાથી કોંગ્રેસ જાણે જોજનો દૂર હોય તેમ ચૂંટણી કાર્યાલય શરૂ કરવાના તો ઠીક પણ સોશિયલ મીડિયા મારફતે પણ વિનામુલ્યે પોતાનું વર્ચસ્વ અને વજન દેખાડવા જાણે ઉણા ઉતરતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ જોતા કોંગી ઉમેદવારો જાણે હાર ભાળી ગયા હોય તેવું વાતાવરણ જોવા મળે છે.

આમ, હવે ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા ભપકા તથા પ્રદર્શનમાં ટક્કર આપવા કે ટકી રહેવા કોંગ્રેસ દ્વારા ફરજિયાત પણે તમામ પ્રકારે મેદાનમાં ઉતરવું પડશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

નિષ્ક્રિય રહેલા ઉમેદવારોને તોતિંગ મતદાન મારફતે સબક શિખવાડવામાં આવે....

દેવભૂમિ દ્વારકા જિલ્લો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહયો છે. જિલ્લામાં અનેક વિકાસકાર્યો ખોરંભે પડ્યા છે. આ વચ્ચે ગઈકાલે રવિવારે રાજ્યમાં જુદી-જુદી છ મહાપાલિકાઓના યોજાઈ ગયેલા મતદાનમાં સરેરાશ 42 ટકા જેટલું તદ્દન કંગાળ મતદાન થતાં આ બાબતને ગંભીર ગણાવાઇ રહી છે. ત્યારે આગામી ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો મતદાન કરવાથી વિમુખ રહેવાના બદલે અયોગ્ય ગણાતા તથા નિષ્ક્રિય રહેલા ઉમેદવારો સામે મતદાન કરી અથવા 'નોટા'નો ઉપયોગ કરી, સબક શીખવાડે તે બાબતને ઈચ્છનીય માનવામાં આવે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application