જામનગરમાં શનિ-રવિ બે દી’માં કોરોનાના ૯ કેસ: તકેદારી જરૂરી

  • March 27, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત અને દેશમાં મહામારી કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે, રાજ્યમાં તો દરરોજ પ૦૦ કેસ નોંધાવા લાગ્યા છે, સૌરાષ્ટ્રના રાજકોટમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે જામનગરમાં શનિ-રવિ બે દિવસ કોરોના પૉઝિટીવના ૯ કેસ નોંધાયા હોવાથી સંક્રમણ વધી રહ્યું હોવાના ચિંતાજનક સંકેતો મળી રહ્યાં છે અને આ બાબત દર્શાવે છે કે, હાલમાં કમસે કમ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવાના હજુ સુધી ફરજિયાત રહેલાં નિયમનું ફરી કડક પાલન કરવું જરૂરી લાગે છે.


શનિવારે કોરોના પૉઝિટીવના ૪ કેસ નોંધાયા હતાં, ૧ર વ્યક્તિને હૉમ આઈસોલેટ કરાયા છે જ્યારે એક વ્યક્તિને તબિયત ખરાબ હોવાના કારણે કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે જ્યારે ૧૦૮ વ્યક્તિના સૅમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાંથી રવિવારે પાંચ પૉઝિટીવ કેસ નોંધાયા હતાં, ૧૮ વ્યક્તિને હૉમ આઈસોલેટ કરવામાં આવ્યા.


અત્યાર સુધી જામનગર શહેરમાં કોરોના પૉઝિટીવના કુલ ૧૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. ધીમી ગતિએ છતાં આ સંક્રમણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે એવું સ્પષ્ટ દેખાય છે, રવિવારે જે પાંચ કેસ નોંધાયા તેમાં કેતન સોસાયટી વિસ્તારમાં રહેતાં એક તબીબ તેમજ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી એક મહિલા, ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતા, જનતા સોસાયટીમાં રહેતી એક મહિલા અને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતાં પ૮ વર્ષના પ્રૌઢનો સમાવેશ છે, તમામને હૉમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જે દર્દીઓ પૉઝિટીવ આવ્યા છે તેમના પરિવારજનોના તથા આડોસી-પાડોસીઓના સૅમ્પલ લેવામાં આવ્યા હતાં. જો કે, એ બધાંના રિપોર્ટ નૅગેટિવ આવ્યા હોવાથી તંત્રએ થોડો રાહતનો દમ લીધો હતો.






જે રીતે જામનગર શહેરમાં રોજ ચાર-પાંચ કેસ નોંધાઈ રહ્યાં છે, પાડોશી રાજકોટમાં તો રોજના સરેરાસ ૪૦-પ૦ કેસ થવા લાગ્યા છે, ગુજરાતમાં પૉઝિટીવ કેસનો આંક રોજનો પ૦૦ થઈ રહ્યો છે એ બાબત એવું દર્શાવે છે કે, જીવલેણ મહામારી ફરી આગળ વધી રહી છે.
કોરોનાને વકરતો અટકાવવા માટે પહેલાં જે પગલાં લેવામાં આવ્યા હતાં તેની આવશ્યકતા ઉભી થઈ છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મેળાવડા બંધ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. ગુજરાતમાં માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ રદ્ કરાયો જ નથી એટલે આજે પણ અમલમાં છે અને હવે જરૂરિયાત ઉભી થઈ છે કે, તેનું કડકપણે પાલન કરવામાં આવે.


પરિક્ષાઓ પૂર્ણ થતાંની સાથે રજાઓનો માહોલ થશે, વાલીઓ પોતાના સંતાનો સાથે હરવા-ફરવા પણ નીકળશે, આ સંજોગોમાં કોરોનાના કેસમાં વધારો થવાની ભીતિ નકારી શકાતી નથી, માટે જરૂરી છે કે, પાણી પહેલાં જ પાળ બાંધી લેવામાં આવે અને આવશ્યક કડક નિયમો અમલમાં મૂકવામાં આવે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application