અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે. જેમાં 84 વર્ષીય વૃદ્ધ અને 20 વર્ષીય યુવતી હાલ હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે. મળતી માહિતી મુજબ, મે મહિનામાં જ અમદાવાદમાં કોરોનાના 38 દર્દી નોંધાયા છે. આ પૈકી હાલમાં 31 દર્દી હજુ સારવાર હેઠળ છે. જેના ઉપરથી જ કોરોનાથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિનો અંદાજ આવી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના 80 ટકા કેસ માત્ર અમદાવાદથી છે.20 વર્ષીય યુવતી પણ કોરોના સંક્રમિત છે. શ્વાસની તકલીફ થતાં આ યુવતી હાલમાં સોલા સિવિલ ખાતે ઓક્સિજન હેઠળ છે. સોલા સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુવતીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે.
સરકારી હોસ્પિટલમાં શરૂ કરાઈ તૈયારીઓ
કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ SVP અને શારદાબેન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર પડે તો 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સંક્રમિતના ટેસ્ટ જીબીઆરસી-ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેમનામાં કયા વેરિએન્ટ છે, તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજકોટ, મહેસાણામાં કોવિડના કેસ
ગુરૂવારે (22 મે) રાજકોટમાં 43 વર્ષીય પુરૂષ કોવિડ પોઝિટિવ આવતા તે હાલ હોમ આઇસોલેશનમાં છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું સ્વાસ્થ્ય કથળતા તેને દાખલ કરાયો હતો. જ્યાં ટેસ્ટ કરતાં તે કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્ચું હતું.
ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ, ડરવાની જરૂર નથી
કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. જરૂર ન હોય તો ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શરદી, ખાંસી અથવા શ્વાસ ચડે તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો. તબીબોના મતે, હાલ ગુજરાતમાં કોરોનાના કેસો વધુ નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
શરદી-ખાંસી-શ્વાસના દર્દીઓ પર આરોગ્ય વિભાગની નજર
ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે પરિણામે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ખાસ કરીને શરદી, ખાંસી અને શ્વાસના દર્દીઓ પર નજર રાખવા તબીબોને સૂચના અપાઈ છે. એટલું જ નહીં, જરૂર જણાય તો, શંકાસ્પદ દર્દીનો કોરોના ટેસ્ટ સહિત સારવાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
હજુ સુધી કોઈ દર્દીના મૃત્યુની પુષ્ટિ થઈ નથી
ભારતમાં કોવિડ-૧૯ના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા અને કર્ણાટક જેવા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગે દેખરેખ અને સાવચેતીના પગલાં વધુ તેજ બનાવ્યા છે. હજુ સુધી કોઈ દર્દીના મૃત્યુની પુષ્ટિ થઈ નથી, પરંતુ મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ જેવા શહેરોમાં ચેપના કેસોમાં વધારો નોંધાયો છે. હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ચેપના ત્રણ કેસ નોંધાયા છે. એક અધિકારીએ આ માહિતી આપી. ગુરુગ્રામમાં બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયો છે.
આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી
ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી. બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ 15 દર્દીઓમાં કોરોનાનો જેએન-1 પ્રકાર જોવા મળ્યો છે.
ઓડિશામાં લગભગ અઢી વર્ષના અંતરાલ પછી કોવિડ-૧૯નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે.
કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે મે મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ ના ૧૮૨ કેસ નોંધાયા છે. કોટ્ટાયમ જિલ્લામાં સૌથી વધુ કેસ (૫૭) નોંધાયા હતા, જ્યારે એર્નાકુલમ અને તિરુવનંતપુરમમાં અનુક્રમે ૩૪ અને ૩૦ કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ચેપના ૨૬ કેસની પુષ્ટિ થઈ છે, જેનાથી આ વર્ષે કુલ કેસોની સંખ્યા ૧૩૨ થઈ ગઈ છે. આ સર્વે રિપોર્ટ મહારાષ્ટ્રના 27 જિલ્લાઓના 7 હજારથી વધુ રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. આમાંથી, 54 ટકા લોકો મુંબઈ અને પુણેના હતા. જેમાં 63 ટકા પુરુષો અને 37 ટકા સ્ત્રીઓ હતી. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી કોવિડ-19 સંબંધિત મૃત્યુના બે કેસ નોંધાયા છે. આ બંને કોવિડ-૧૯ સંબંધિત મૃત્યુ મુંબઈમાં થયા છે. કોવિડ-૧૯ ને કારણે જીવ ગુમાવનારા બે લોકો પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા.
અભિનેત્રી નિકિતા દત્તા કોરોના સંક્રમિત
કબીર સિંહ અને જ્વેલ થીફમાં પોતાની ભૂમિકાઓ માટે પ્રખ્યાત અભિનેત્રી નિકિતા દત્તા પણ કોરોના સંક્રમિત થઇ છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સને તેના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે માહિતી આપી અને જણાવ્યું કે માત્ર તે જ નહીં પરંતુ તેની માતા પણ વાયરસથી સંક્રમિત થઈ છે. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક અપડેટ શેર કરતા નિકિતાએ લખ્યું, કોવિડ મારી મમ્મી અને મને હેલો કહેવા આવ્યો છે. આશા છે કે આ બિનઆમંત્રિત મહેમાન લાંબા સમય સુધી નહીં રહે. એક નાના ક્વોરેન્ટાઇન પછી મળીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech