આંધ્રપ્રદેશના સિંહાચલમ મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં 8 શ્રદ્ધાળુ દટાયા

  • April 30, 2025 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંધ્રપ્રદેશના પ્રખ્યાત વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં બુધવારે વહેલી સવારે એક દિવાલ ધરાશાયી થતાં 8 શ્રદ્ધાળુના દટાઈ જવાથી મોત નીપજ્યા છે જયારે 4ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. 'ચંદનોત્સવ' નિમિત્તે ભક્તો 'નિજરૂપા દર્શન' માટે કતારમાં ઉભા હતા ત્યારે આ દુર્ઘટના બની. આ મંદિરને સિંહાચલમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.


આ ઘટના વહેલી સવારે 2:30 વાગ્યાની આસપાસ બની હતી. ભારે વરસાદને કારણે કતાર રોડ પર સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્સ પાસે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે દિવાલ નવી બનાવવામાં આવી હતી અને વરસાદને કારણે માટી ઢીલી થઈ જવાને કારણે આ અકસ્માત થયો હતો.


રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને કહ્યું કે ભારે વરસાદ અને ભક્તોની ભીડને કારણે આ અકસ્માત થયો છે. તેમણે કહ્યું, "ભક્તો ૩૦૦ રૂપિયાની ખાસ દર્શન ટિકિટ લઈને કતારમાં ઉભા હતા. વરસાદને કારણે દિવાલ પાણીમાં પલળી ગઈ હતી અને નબળી પડી ગઈ હતી.


ઘટનાની માહિતી મળતા જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર હરેન્ધીર પ્રસાદ અને પોલીસ કમિશનર સાંખા બ્રતા બાગચી પણ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.આ બનાવમાં ત્રણ મહિલાઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને મૃતદેહોને વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર પણ ત્યાં ચાલી રહી છે.


ચંદનોત્સવમનું વિશેષ મહત્વ

ચંદનોત્સવમ ઉત્સવ સિંહાચલમ મંદિરનો વાર્ષિક ઉત્સવ છે, જેમાં ભગવાન નરસિંહ સ્વામીને વર્ષમાં એકવાર ચંદનની પેસ્ટ દૂર કર્યા પછી ભક્તોને તેમના 'વાસ્તવિક સ્વરૂપમાં' બતાવવામાં આવે છે. આ પ્રસંગ હજારો ભક્તો માટે અત્યંત શુભ અને દુર્લભ માનવામાં આવે છે. મંગળવારે રાત્રે ૧:૦૦ વાગ્યે, ભગવાનને 'સુપ્રભાત સેવા' દ્વારા જાગૃત કરવામાં આવ્યા અને ખાસ ચાંદીના સાધનો વડે ચંદનની લેપ દૂર કરીને તેમનું સાચું સ્વરૂપ પ્રગટ થયું. આ પછી, અભિષેક અને અન્ય વૈદિક વિધિઓ વિધિવત રીતે કરવામાં આવી.

પરંપરાગત રીતે, મંદિરના ઉત્તરાધિકારી ટ્રસ્ટી પુષ્પતિ અશોક ગજપતિ રાજુ અને તેમના પરિવારને પ્રથમ દર્શન આપવામાં આવ્યા હતા અને ચંદનના પ્રસાદની પ્રથમ પૂજા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર વતી, મહેસૂલ મંત્રી અંગાણી સત્ય પ્રસાદે ભગવાનને રેશમી વસ્ત્રો અર્પણ કર્યા.રાજ્ય સરકારે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને પીડિત પરિવારોને શક્ય તમામ સહાયની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application