ભગવાન મહાવીરની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા સામૂહિક નવકાર મંત્રના જાપ કરાયા

  • April 06, 2020 11:28 AM 272 views

ગઈકાલે સ્થાનકવાસી, આજે દેરાવાસી સમાજ દ્વારા મહાવીર જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી ઘેરબેઠા કરાઈ

જૈન ધર્મના 24માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીજીનો આજે જન્મદિવસ છે, ગઈકાલે સ્થાનકવાસીઓ આજે દેરાવાસી દ્વારા જનકલ્યાણ મહોત્સવની ઉજવણી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જામનગરમાં ઘેર બેઠા સામૂહિક નવકાર મંત્રના જાપ કરીને કરવામાં આવ્‌યા.
જામનગરમાં જૈન સમાજ દ્વારા દર વર્ષે મહાવીર ભગવાન જન કલ્યાણક મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નની ઉછામણી કરી વધાવવામાં આવે છે, આ સમયે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈને અને ભગવાન મહાવીર સ્વામી પારણુ ઝુલાવી જન્મોત્સવના દર્શનનો લાભ લે છે, જેમાં સમગ્ર જૈન-જૈનેતર લોકો આસ્થાપૂર્વક જોડાય છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને લીધે સમગ્ર દેશમાં નાગરિકોની સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં લઈને દેશનાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ લોકડાઉનને લીધે સમગ્ર દેશના શહેરના મંદિરો, દેરાસરો,ધાર્મિક સંસ્થાઓમાં લોકોની ભીડ એકઠી ના થાય તે માટે લોકોના સ્વાસ્થયની સુરક્ષા કાજે બંધ કરવામાં આવ્યા છે.
દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં લઈને જૈન સમાજના પ્રમુખ બિલ્ડર નિલેશભાઈ ટોલીયા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ગઈકાલે લોકડાઉનની અમલવારી સાથે ઘરની લાઈટો બંધ કરી રાત્રે 9 વાગ્યે 9 મીનીટ સુધી દિવા પ્રગટાવવામાં આવ્યા હતા બાદમાં ભગવાન મહાવીરની જન્મ જયંતી નિમિત્તે 108 નવકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. તેમ જ આજે સવારે 9 થી 10 દરમ્યાન ઘેર બેઠા સામૂહિક નવકાર મંત્રના જાપ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જૈન ગ્રંથો અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસના દિવસે જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી જૈનો દ્વારા આ દિવસની મહાવીર જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મહાવીર સ્વામીના પાવન અવતરણના આ દિવસને મહાવીર જન્મકલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે.
મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં પટનાથી 29 માઈલ દૂર કુંડલગ્રામમાં ઈક્ષ્વાકુ વંશમાં પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવીના પુત્ર ભગવાન મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું. ભગવાન માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે માતા ત્રિશલાને વિવિધ સ્વપ્નશ્વેતાંબર મત પ્રમાણે 14 અને દિગંબર મત પ્રમાણે 16 સ્વપ્ન આવતા હતા અને તેના આધારે તેમના પિતા સિદ્ધાર્થ ભાવી પુત્રના પ્રભાવ, તેજ, આધ્યાત્મ સહિત વિવિધ બાબતો અંગે અર્થઘટન કરતા હતા. મહાવીરના લગ્ન યશોદા સાથે થયા હતા જ્યારે તેમને પ્રિયદર્શની નામને એક પુત્રી પણ હતી.
બાળપણથી જ જૈન ધર્મના આચરણોમાં ઊંડી અભિરુચિ અને ઈશ્વર પ્રત્યેની અપાર લાગણીના કારણે તેઓ જૈન ધર્મના નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરતા હતા. માત્ર 30 વર્ષની વયે જ તેમણે બધા જ રાજપાટ અને વૈભવ ત્યજીને સત્યની શોધમાં સંયમનો માર્ગ પસંદ કર્યો અને 12 વર્ષ સુધી સંયમી જીવન વિતાવી કઠોર તપસ્યાથી તેમણે કામ, ક્રોધ, લોભ, મોહ ઉપરાંત તમામ ઈન્દ્રીઓ પર કાબુ મેળવ્યો હોવાથી તેમને મહાવીર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન મહાવીરના નિયમો અહિંસા, દયા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ધર્મ આધારિત છે.
જૈન ધર્મમાં 2600 વર્ષ પહેલા દશર્વિેલા સિદ્ધાંતો આજે વર્તમાન સમયમાં એટલા જ ઉપયોગી છે કોરોના વાયરસ સામે લડી રહેલ માનવ સમુદાય મુખ પર મુહપત્તિ વસ્ત્ર ધારણ કરવું, પીવામાં ગરમ પાણીનો ઉપયોગ કરવો, એકબીજાની વચ્ચે સાડાત્રણ હાથનું અંતર રાખવુ,જીવ દયા કરુણા અનુકંપાને લોકો અનુસરી રહ્યા છે.
જામનગરમાં સ્થાનકવાસીઓ, દેરાવાસીઓ દ્વારા ભગવાન મહાવીર જનકલ્યાણ મહોત્સવની ઉજવણી પ્રવર્તમાન પરિસ્થિતિ કારણે ઘેર બેઠા નવકાર મંત્રના પાઠ કરીને કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application