રાજ્યભરના 74 લાખ પરિવારોને આ મહિને ચણા અને તુવેર દાળ નહીં મળે

  • April 01, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા મારફત ગરીબ પરિવારને રેશનકાર્ડમાં દર મહિને ચણા અને તુવેરદાળનો જથ્થો આપવામાં આવે છે. પરંતુ આ વખતે એપ્રિલ માસનો જથ્થો હજુ સુધી ફાળવ્યો નથી અને તેના કારણે રાજ્યના 74 લાખ જેટલા ગરીબ પરિવારોને એપ્રિલ મહિનાનો ચણા અને તુવેરદાળનો જથ્થો મળે તેવી કોઈ શકયતા નથી.

રાજ્ય સરકાર દ્વારા કલ્યાણકારી યોજના મારફત ખાંડ નમક ચણા તુવેરદાળ તેલ જેવી જુદી જુદી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ તેમાં કોઈ મહિને નિયમિતતા જળવાતી નથી. ક્યારેક તુવેરદાળ આપવામાં આવે તો પણ તેનો જથ્થો રેશનકાર્ડ ધરાવતા પરિવારોની સંખ્યાની દ્રષ્ટિએ ઘણો ઓછો ફાળવવામાં આવે છે. ગયા મહિને ઓછો જથ્થો ફાળવ્યા પછી વેપારીઓએ તેનું વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો અને તેના કારણે સરકારે 80 ટકા જથ્થો ફાળવવાની ફરજ પડી હતી. પરંતુ આ વખતે તો હજુ ફાળવણી પણ થઈ નથી અને તેના કારણે ચણા અને તુવેરદાળ મળે તેવી શક્યતા નહિવત બની ગઈ છે.

સસ્તા અનાજના વેપારીઓના રાજ્ય વ્યાપી સંગઠનના આગેવાનોએ આ સંદર્ભે સરકારનું ધ્યાન દોર્યું છે અને જણાવ્યું છે કે નિયમિત રીતે અનિયમિત અને ઓછી માત્રામાં જથ્થો ફાળવાતો હોવાથી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે સરકાર એક તરફ કુપોષણ સામે જંગના એલાનની વાતો કરે છે જ્યારે બીજી બાજુ આવો માલ ફાળવવામાં આવતો નથી.

ઘણી વખત સરકાર ચીજ વસ્તુઓ ફાળવીને ગોડાઉન સુધી મોકલે છે પરંતુ અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધીની અપૂરતી ઈચ્છા શક્તિ અને ફરજ પ્રત્યેની બેદરકારી તથા ભ્રષ્ટાચારના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. સરકારે કડક પગલાં લઈને તાત્કાલિક અસરથી પુરવઠાની ચેઈનને વધારે સશક્ત કરી જવાબદારો સામે અને એજન્સીઓ સામે સજા અને દંડ કરી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂર હોવાની પણ લાગણી વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application