કાલાવડના બેડીયા ગામમાં ૭.૭૬ લાખની ચોરી

  • April 15, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરો તિજોરીનો લોક તોડીને અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૭.૭૬ લાખનો મુદામાલ ઉસેડી જતા દોડધામ મચી ગઇ છે, તસ્કરોની તપાસ માટે પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને જુદી જુદી દીશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. આશરે ૩૦ તોલા જેટલુ સોનું લઇ ગયા છે, શહેર જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ચોરીના બનાવો સામે આવી રહયા છે આથી રાત્રી પેટ્રોલીંગ વધુ સધન બનાવવાની લોક લાગણી ઉઠી રહી છે.


કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રહેતા ખેતી-વેપાર કરતા ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં તા. ૧૩ના રાત્રીના સુમારે કોઇ અજાણ્યા શખ્સોએ ત્રાટકી રૂમનો દરવાજો ખોલી અંદર ગેરકાયદે પ્રવેશી લાકડાના કબાટની તિજોરીનો લોક તોડી તેમાંથી સોનાનું એક મંગળસુત્ર, સોનાના બે કંગન, સોનાના પંજા, ૩ વિંટી, ૧ ચેન, બુંટી, નથબંધી સાથેનું પેડલ સેટ, કાનસર, સોનાનો પટ્ટો, લકકી, કડલા, ૩ તોલાનો હાર, સોનાની રૂદ્રાક્ષની માળા, ચાંદીની એક ગાય, ચાંદીના સાંકરા-૪, ચાંદીના બે સિકકા જેવા સોના-ચાંદીના ૩૦ તોલા જેટલા દાગીના તથા રોકડા ૧૪૦૦૦ મળી કુલ ૭.૭૬ લાખના મુદામાલની ચોરી કરી નાશી છુટયા હતા.


આ અંગેની જાણ થતા પોલીસને વાકેફ કરવામાં આવ્યા હતા આથી તપાસ માટે ગ્રામ્ય પોલીસની ટુકડી દોડી આવી હતી, એફએસએલની મદદ લેવામાં આવી હતી, બીજી બાજુ ભગીરથસિંહ જાડેજા દ્વારા ગઇકાલે ઉપરોકત ચોરી અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ કરતા પીએસઆઇ એચ.વી. પટેલ અને ટુકડી દ્વારા અલગ અલગ દીશામાં તપાસ લંબાવવામાં આવી છે.


બેડીયા ગામમાં માતબર મુદામાલની ચોરીનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે, રૂમનો દરવાજો ખોલીને તસ્કરોએ ખાતર પાડયાનું સામે આવ્યું છે, કોઇ જાણભેદુની કરામત છે કે કેમ એ દીશામાં પણ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application