માત્ર એક સામાન્ય ભૂલના લીધે દર વર્ષે મોતને ભેટે છે 7 લાખ લોકો

  • November 06, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૫૦ વર્ષ પહેલા શરૂ થઈ હેન્ડવોશ કરવાની પ્રથા, ૨૦૦૮થી હોથ ધોવા અંગે જાગ્રતી લાવવાની શરૂઆત કરાઈ



કેટલીક આદતો બાળકોને નાનપણથી જ શીખવવી જોઈએ. આ મહત્વની આદતોમાંની એક છે જમતા પહેલા અને પછી હાથ ધોવા. માહિતી અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકોનું મૃત્યુનું કારણ હાથ ન ધોવાને કારણે થતી બીમારીઓ છે. સમગ્ર વિશ્વ દ્વારા કોરોના જેવી ભયાનક ચેપી મહામારીનો સામનો કરવામાં આવ્યો હતો. હાલમાં પણ વિશ્વના અલગ અલગ ખૂણે કોરોનાના નવા વેરિયન્ટ મળવાની અને આગામી સમયમાં વધારે ભયાનક મહામારી અને બિમારી આવવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. લોકોની હાથ નહીં ધોવાની ખરાબ આદતોના કારણે આ બિમારીઓ વધી છે અને આગામી સમયમાં પણ તેમાં વધારો થવાની શક્યતાઓ છે.


થોડા સમય પહેલાં જ આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, વિશ્વમાં પાણીજન્ય રોગો, અયોગ્ય સેનેટાઈઝેશનથી થતા રોગો અને હાથ ન ધોવાના કારણે થતા રોગોથી મોતનું પ્રમાણ વધારે છે. વિશ્વમાં ૧૪.૫૦ લાખ લોકો આ પ્રકારની બિમારીઓના કારણે જીવ ગુમાવે છે. વિશ્વમાં ૭ લાખ લોકો હાથ નહીં ધોવાના કારણે ફેલાતી ચેપી બિમારીથી દર વર્ષે જીવ ગુમાવે છે. એક અહેવાલ પ્રમાણે દરરોજ ૪૦૦૦ લોકો હાથ નહીં ધોવાના અને શરીરની અયોગ્ય સાફસફાઈના કારણે થતી બિમારીથી જીવ ગુમાવે છે. આ મોતમાંથી ૧૦૦૦ મોત પાંચ વર્ષથી નીચેના બાળકોના હોય છે.


કોરોનાકાળથી લોકો ભારતીય પરંપરાને અનુસરવા લાગ્યા હતા. વિશ્વમાં એકબીજાને મળતા સમય જે હાથ મિલાવવાની પ્રથા હતી તે બદલાઈ છે. લોકો નમસ્તે કરી રહ્યા છે. આ નમસ્તેની પ્રથા ભારતમાં યુગોથી ચાલે છે. ભારતમાં પ્રાચિન સમયથી માનવામાં આવે છે કે, હાથ મિલાવવા તે રોગોને એકબીજાને આપવા સમાન છે. આ ઉપરાંત માનવ ઇતિહાસની પશ્ચિમી પ્રથા જોઈએ તો તેમાં પણ ઈ.સ. પૂર્વે ૭૦૦ની સાલમાં આ વિશે ઉલ્લેખ આવે છે. તે સિવાય બેબિલોનિયન કાળમાં પણ હાથ દ્વારા રોગ ફેલાતા હોવાની માન્યતા હતી. કોરોનાકાળમાં પહેલાં હાથ ધોવાની શિસ્ત લોકોમાં હતી પણ માત્ર ભોજન કરતા પહેલાં અથવા તો વોશરૂમનો ઉપયોગ કર્યા બાદ.


૨૦૦૮થી લોકોમાં હાથ ધોવા અંગે સજાગતા આવે તે માટે ઓક્ટોબરમાં ૧૫ તારીખે હેન્ડ વોશિંગ ડેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાબાર આ કામગીરી વધતી ગઈ અને લોકો હાથ ધોવા અને સ્વસ્છ રાખવા તરફ વધારે ધ્યાન આપવા લાગ્યા. આ હાથ ધોવાની પરંપરાના મેડિકલના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, તેની શરૂઆત ૧૫૦ વર્ષ પહેલાં અકસ્માતે થઈ હતી. એક ડોક્ટર દ્વારા મેટરનિટી વોર્ડમાં કામ કરવા દરમિયાન હાથ ધોવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. ૧૯મી સદીમાં એક ડોક્ટર દ્વારા અકસ્માતે જ હાથ સ્વચ્છ રાખવાનો એક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો અને લોકોમાં ખાસ કરીને તે સમયે ડોક્ટર્સમાં હાથ સ્વચ્છ અને સેનેટાઈઝ રાખવાની જાગ્રતી આવી.



આપણા હાથ કેટલા ચોખ્ખા ?


એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના બાદ હાથ ધોવાની આદતમાં ૮૫% વધારો થયો છે. બીજા કેટલાક અભ્યાસ આ આંકડાનું સમર્થન કરતા નથી છતાં સ્વીકારે છે કે, લોકો હાથ સાફ રાખતા થયા છે. જાણકારો માને છે કે, વ્યક્તિ એક સમયે સ્નાન કરવાનું ચૂકી જાય છતાં હાથ ધોવાની આદતને ભુલવી જોઈએ નહીં. હાથમાં ૧સે.મી. જગ્યામાં અંદાજે ૧૫૦૦ બેક્ટેરિયા હોય છે, હાથ સાફ રાખવાથી દર પાંચમાંથી ૧ શ્વાસને લગતી બિમારીથી બચી શકાય છે. સંશોધકો માને છે કે, દરેક વ્યક્તિ હાથ સાફ રાખે તો વર્ષે ૧૦ લાખ મોત અટકાવી શકાય છે. દર ૫ પાંથી ૩ લોકો પાસે જ હાથ ધોવાની યોગ્ય વ્યવસ્થા છે. ૮૦% રોગોનો ફેલાવો સ્પર્શ દ્વારા થાય છે. કોરા હાથ કરતા ભીના હાથ ૧૦૦૦ ગણા વધારે બેક્ટેરિયાનો ચેપ ફેલાવે છે, સરેરાશ માણસના હાથમાં ૩૦૦૦ જેટલા બેક્ટેરિયા રહેલા હોય છે. ઓફિસ ડેસ્ક ઉપર સરેરાશ ટોઈલેટ સીટ કરતા ૪૦૦ ગણા વધારે બેક્ટેરિયા હોય છે. ચલણી નોટો ઉપર સરેરાશ ૨૬,૦૦૦ બેક્ટેરિયા હોય છે. સ્માર્ટફોન ઉપર સરેરાશ ૧ યુનિટ સ્વેબ જેટલી જગ્યામાં ૩૦,૦૦૦ બેક્ટેરિયા હોય છે








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application