દેવભૂમિ દ્વારકા: સુઇનેશ વાડી વિસ્તારમાંથી જુગારનો અખાડો ઝડપાયો
૭ આરોપીઓને ૨.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડતી દ્વારકા એલસીબી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ સફળતા મેળવી છે. એલ.સી.બી.ની ટીમે કલ્યાણપુર તાલુકાના સુઇનેશ ગામના વાડી વિસ્તારમાં દરોડો પાડીને એક સક્રિય જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે.
આ સફળ કામગીરી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ. કિશોરભાઇ નંદાણીયા, ડાડુભાઇ જોગલ અને હેડ કોન્સ્ટેબલ ખીમાભાઇ કરમુરને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, સાજણભાઇ માણસુરભાઇ ગઢવી પોતાના કબજા ભોગવટાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં બહારથી માણસો ભેગા કરીને, લાઈટ-પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, નાલ ઉઘરાવીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.
આ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે તાકીદે દરોડો પાડતા જુગારનો અખાડો ચલાવનાર સાજણભાઇ માણસુરભાઇ ગઢવી સહિત કુલ ૭ ઇસમોને રંગેહાથ જુગાર રમતા ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં સાજણ ગઢવી, ખીમાભાઇ નારણભાઇ ચાવડા, દેશુરભાઇ અરજણભાઇ ચાવડા, ખીમાભાઇ રાણાભાઇ પારીયા, વિશાલભાઇ શાંતીલાલ દાવડા, શાંતીલાલ ઓધવજીભાઇ આરંભડીયા (તમામ રહે. ભાટીયા ગામ, તા. કલ્યાણપુર) અને અશોકભાઇ નાથાલાલ ઠાકર (રહે. ગાગા ગામ, તા. કલ્યાણપુર)નો સમાવેશ થાય છે.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૫૪,૨૦૦, અંદાજિત રૂ. ૩૦,૫૦૦ ની કિંમતના ૬ નંગ મોબાઇલ ફોન, રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમતની એક ઇક્કો કાર (નંબર: જીજે ૩૭ બી ૭૩૧૬) તેમજ રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતનું એક એક્ટીવા સ્કૂટર (નંબર: જીજે ૩૭ એન ૭૪૮૨) મળીને કુલ રૂ. ૨,૩૪,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.