ભાગ્યમાં સુખ ન હોવું આનું નામ : 63 વર્ષે 40 વર્ષની કન્યા સાથે થયા લગ્ન, સાસરામાં પગ મુકતાની સાથે કન્યાનું થયું મોત... વાંચો ઘટનાની વિગતો

  • January 28, 2021 10:38 PM 4785 views

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં એવી ઘટના બની છે જેના વિશે જાણ ભલભલાંની આંખમાં પાણી આવી જાય. આ ઘટના બની છે 63 વર્ષીય કલ્યાણભાઈ નામના વ્યક્તિ સાથે. તેઓ ડેસરના પીપળછટ ગામના રહેવાસી છે અને પશુપાલન કરી પોતાના અસ્થીર મગજના ભાઈ અને વિધવા બહેનનું વર્ષોથી ભરણપોષણ કરે છે. વિધિના વિધાન લખનાર જાણે કલ્યાણભાઈના ભાગ્યમાં સુખ લખવાનું ભુલી ગયા છે તે વાત તાજેતરમાં તેમની સાથે બનેલી ઘટનાથી લોકમુખે ચર્ચાવા લાગી છે. 
 

જાણવા મળ્યાનુસાર કલ્યાણભાઈ 63 વર્ષ સુધી અપરિણીત હતા. તેમણે નક્કી કર્યું હતું કે સમાજની જ કન્યા સાથે લગ્ન કરવા. 63 વર્ષ સુધી જીવનસાથી શોધવા તનતોડ મહેનત કરી ચુકેલા કલ્યાણભાઈનું તપ ફળ્યું અને થોડા મહિના પહેલા તેમની મુલાકાત ઠાસરા ગામના 40 વર્ષીય લીલાબેન સાથે થઈ. બંનેના પરીવાર અને વર-કન્યાના મન મળી જતા તેમના લગ્ન નક્કી થયા. 
 

63 વર્ષે કલ્યાણભાઈના આંગણે લગ્નનો અવસર આવતાં તેમણે ગામ જમાડ્યું અને હરખ સાથે લગ્ન કર્યા, પરંતુ તેમને ખબર ન હતી કે તેમના લગ્નનો દિવસ જ તેમના માટે જીવનભરનું દુ:ખ લાવનાર છે. બન્યું એવું કે કલ્યાણભાઈ અને લીલાબેન લગ્ન કરી અને પોતાના ગામ પરત ફર્યા. અહીં સાસરે આવેલી નવવધૂને જોવા સ્નેહીજનો એકત્ર થયા હતા. અહીં ગોર મહારાજ આવ્યા અને મીંઢોળ છોડવા સહિતની વિધિ શરુ કરવામાં આવી. 
 

આ દરમિયાન લીલાબેનની તબીયત ખરાબ થવા લાગી, તેમને ચક્કર આવતા હોવાથી તેમને રુમમાં આરામ કરવા લઈ જવામાં આવ્યા પરંતુ આ દરમિયાન તેમની સમસ્યા વધી એટલે કલ્યાણભાઈ અને પરીવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈ જવા રવાના થયા. પરંતુ જ્યારે તેઓ લીલાબેનને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેમનું અવસાન થયું. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ લીલાબેનને મૃત જાહેર કર્યા . આ સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જે ઘરમાં 63 વર્ષે લગ્નના ઢોલ ઢબુક્યા ત્યાંના તોરણ પણ લીલા હતા અને ત્યાંથી કન્યાની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચઢ્યું હતું. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application