રોગપ્રતિકારક શક્તિ વધારવા ૬૦ હજાર કિલો આયુર્વેદીક અને ૧૦ લાખ ડોઝ હોમિયોપેથિક દવાનું વિતરણ કરાશે

  • April 27, 2021 05:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ, કોવિડ-19ના સંક્રમણ સામેનો જંગ  ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીતવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો-પગલાં માટે પ્રેરિત કર્યા છે. જેમાં ગુજરાતમાં ૬૦ હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ ૧૦ લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓ ત્વરાએ મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.

 

 

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની  સમીક્ષા માટે નિયમીત રૂપે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાતી કોર કમિટિની બેઠકમાં સીએમ રૂપાણીએ આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ આપી છે. આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે.

 

 

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

 

 

 આ નિર્ણય અનુસાર રાજ્યભરના ૩૩ જિલ્લાઓ માટે ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો ૩૦ હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના કુલ ૧૦ લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે.

 

 

આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યુ છે તે મુજબ તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે.

 

 

કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે.

 

 

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન અને પ્રેરણાથી ૯૦ લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, ૭૮ હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને ૮પ હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડવામાં આવેલી છે

 

 

સમગ્ર રાજ્યમાં ગત વર્ષ તા. ૬ માર્ચ-ર૦ર૦થી આ ઔષધિઓના વિતરણ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે તા. રર એપ્રિલ-ર૦ર૧ સુધીમાં ૧૦.૭૭ કરોડ અમૃત પેય ઊકાળા ડોઝ લાભાર્થીઓ, ૮ર.૭૦ લાખ સંશમની વટીના અને ૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે

         


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS