દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા મુંબઈ એરપોર્ટ પર 7 મેના રોજ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રનવેના જાળવણીની કામગીરી કરવામાં આવશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
એરપોર્ટ પ્રશાસન દર વર્ષે ચોમાસા પહેલા રનવેની તપાસ અને મરામતની કામગીરી હાથ ધરે છે. વરસાદ દરમિયાન ફ્લાઈટ ઓપરેશન સુરક્ષિત રીતે ચાલી શકે તે માટે 'પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ' અત્યંત જરૂરી છે. એરપોર્ટના બંને રનવે (09/27 અને 14/32) પર ખાસ ટીમો દ્વારા કામ કરવામાં આવશે. રનવેની સપાટીની તપાસ કરવી, તિરાડોનું સમારકામ અને અન્ય ટેકનિકલ ખામીઓ દૂર કરવાનું કામ આ 6 કલાક દરમિયાન પૂર્ણ કરાશે.
મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા
ચોમાસામાં ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાવા કે સપાટી ખરાબ થવાને લીધે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પ્રશાસનના જણાવ્યા મુજબ, મુસાફરો અને ફ્લાઈટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમયસર આ સુધારા કરવા અનિવાર્ય છે.
એરલાઈન્સ દ્વારા શેડ્યૂલમાં ફેરફાર
આ મેન્ટેનન્સ અંગેની જાણકારી એરલાઈન્સ અને અન્ય હિસ્સેદારોને અંદાજે 6 મહિના પહેલા જ આપી દેવામાં આવી હતી. આથી, એરલાઈન્સે અગાઉથી જ તેમના ફ્લાઈટ શેડ્યૂલમાં ફેરફાર કરી દીધા છે જેથી મુસાફરોને ન્યૂનતમ મુશ્કેલી પડે.
મુંબઈ એરપોર્ટનું મહત્વ
મુંબઈનું આ એરપોર્ટ ભારતનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જ્યાં વર્ષ 2024-25 માં 5.5 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. અહીં દરરોજ અંદાજે 1,000 જેટલી ફ્લાઈટ્સની અવરજવર રહે છે. વિશ્વના સૌથી વ્યસ્ત સિંગલ રનવે ઓપરેશન ધરાવતા એરપોર્ટમાં પણ તેની ગણતરી થાય છે.
મુસાફરો માટે સૂચના
જો તમારી ફ્લાઈટ 7 મેના રોજ નિર્ધારિત હોય, તો એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારી એરલાઈન પાસે ફ્લાઈટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લેવું. શક્ય છે કે ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોય અથવા તેને અન્ય સમય પર શિફ્ટ કરવામાં આવી હોય.