દેવભૂમિ દ્વારકા: ભાટીયા અને ભાડથર ગામે ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલા ૫ ટ્રકો ઝડપાયા
૬૮ ટન સફેદ બેલા સાથે રૂ.૭૭.૭૦ લાખનો મુદ્દામાલ પકડી પાડતી દ્વારકા એસઓજી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ચોરી કરતા તત્વો વિરુદ્ધ એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગૃપ) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જામ કલ્યાણપુર અને જામ ખંભાળીયા વિસ્તારમાંથી ચણતર કામમાં ઉપયોગમાં લેવાતા આશરે ૬૮ ટન ગેરકાયદેસર સફેદ પથ્થરો (બેલા) ભરેલી કુલ ૫ ટ્રકો સાથે પોલીસે રૂ. ૭૭,૭૦,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ રોકવા આપેલા કડક સૂચનોના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. વાળા અને વી.એન. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે ભાટીયા ગામમાં મતીયા પીરડાડાની પાછળ ખુલ્લા પ્લોટમાં ૪ ટ્રકો અને ભાડથર ગામેથી ૧ ટ્રક ગેરકાયદેસર સફેદ પથ્થર ભરીને ઊભી છે. આ બાતમીના આધારે પોલીસે બંને સ્થળોએ રેઇડ પાડીને કુલ ૫ ટ્રકો ઝડપી પાડી હતી, જેમાં આશરે ૬૮ ટન સફેદ પથ્થરો ભરેલા હતા.
જ્યારે ટ્રક ચાલકો પાસે રોયલ્ટી કે ખાણ ખનીજ વિભાગની મંજૂરીના આધાર પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે તેઓએ મુદત પૂરી થઈ ગયેલી અને જૂની તારીખ તેમજ સમય દર્શાવતી અલગ રૂટની રોયલ્ટી સ્લીપો રજૂ કરી હતી. ગેરકાયદેસર રીતે પથ્થરો ભરી રાખવાના ગુના હેઠળ પોલીસે રૂ. ૭૫,૦૦,૦૦૦ ની કિંમતની ૫ ટ્રકો અને રૂ. ૨,૨૦,૦૦૦ ની કિંમતના ૬૮ ટન સફેદ પથ્થરો મળી કુલ રૂ. ૭૭,૭૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે પોરબંદર જિલ્લાના રહેવાસી એવા પાંચેય ટ્રક ચાલકો જેમાં દુલાભાઈ ધીભાઈ લાડક (રહે. મિયાણી), કાનાભાઈ લખમણભાઈ સોલંકી (રહે. મિયાણી), નાજાભાઈ સાંગાભાઈ મોરી (રહે. રાતડી), દેવાભાઈ નથુભાઈ વાઘેલા (રહે. મિયાણી) અને જીવાભાઈ ભાયાભાઈ મોરી (રહે. નાગકા) વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે.