mothers day 2021: સુરતની ૪૭૦૪ માતાઓ નવજાત શિશુઓ માટે બની મા યશોદા : કર્યુ વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન

  • May 08, 2021 09:36 PM 

વિશ્વમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે 'વર્લ્ડ મધર્સ ડે'ના રૂપમાં ઉજવવામાં આવે છે. કોરોનાના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તેવા આશયથી સુરતની સિવિલ હોસ્પિટલમાં 'હ્યુમન મિલ્ક બેંક' કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય, અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય,  પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે સુરતની નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંક નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે.             

 

 

બાળરોગ વિભાગના વડા ડો.વિજય શાહે જણાવ્યું કે, નવી સિવિલમાં જે સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવી સ્ક્રીનીંગ કરીને તેના બ્લડના રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સિફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રિપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દુધ ડોનેશનમાં લેવામાં આવે છે. આ ડોનેટ કરેલા દુધને પેસ્ચ્યુરાઈઝ્ડ કરી તેનુ રેપિડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રોબાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-૨૦)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે.

 

 

વધુ વિગતો આપતા આસિ.પ્રોફેસર ડો.વૈશાલી ચૌધરીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ૩૬૮ માતાઓ ૭૩,૪૬૦ મિલી લીટર મિલ્ક ડોનેટ કરીને સાચા અર્થમાં માતા યશોદા બની છે. જયારે ૪૧૩ જેટલા જરૂરિયાતમંદ બાળકોને ૬૯,૮૩૦ મિલિલિટર દુધ આપવામાં આવ્યું હતું. એપ્રિલ મહિના દરમિયાન એન.આઈ.સી.યુ.માં દાખલ ત્રણ પોઝિટીવ બાળકોને પણ ૩,૪૮૦ મિલિલિટર મિલ્ક આપવામાં આવ્યું હતું. આ હ્યુમન મિલ્ક બેંકમાં ડો.પન્ના બલસરીયા, ડો.ખુશ્બુ ચૌધરી, ડો.સુજીત ચૌધરી, સ્ટાફ નર્સ તન્વી પટેલ, મૌસમી પટેલ, ડિમ્પલ સુરતી, વૈશાલી ટંડેલ, અમિના મુલતાની સહિતની ટીમના પુરૂષાર્થથી અનેક બાળકોને નવજીવન મળ્યું છે.  

 

 

નોંધનીય છે કે, આધુનિક હ્યુમન મિલ્ક બેંક તા.૩/૩/૨૦૧૯થી કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૪,૭૦૪ માતાઓએ ૩,૫૦,૧૨૯ મિલિલીટર દુધ ડોનેટ કર્યું છે. જે ૩,૬૬૨ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવ્યું હતું. ૯મી મે 'વર્લ્ડ મધર્સ ડે' એ પરિવારને એકસૂત્રમાં બાંધતી, બાળકોનું લાલન-પાલન કરતી માતાને આદર આપીએ. તેમજ અજાણ્યા નવજાત બાળકોની રક્ષક બની દુગ્ધ દાન કરનારી અનેકાનેક માતાઓને વંદન કરીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application