ધ્રોલના એક બ્રાહ્મણ વેપારી ગઇકાલે બેડી ખાતે તેમના ધંધાના કામે ગયા હતાં, ત્યારબાદ પરત આવતા કારમાં જ તેમને હદયરોગનો હુમલો આવતા તાત્કાલીક અસરથી તેને જી.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જયાં ૪૫ વર્ષના ભાવેશભાઇ વિનોદરાય ભટ્ટનું મૃત્યુ નિપજતાં ધ્રોલમાં શોકની લાગણી જન્મી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગઇકાલે સવારે ધ્રોલથી નિકળ્યા બાદ તેઓ બેડી આસપાસ તેમના ધંધાના કામે ગયા હતાં અને તેમના સાળા પણ તેમની સાથે હતાં, તા.૧૭ના રોજ તેમને નબળાઇ જેવું લાગતા ધ્રોલ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ ત્યારબાદ તેમની તબીયત સારી થઇ જતાં તેઓ જામનગર આવ્યા હતાં, ધ્રોલથી નકકી કર્યુ હતું કે, સમર્પણ હોસ્પિટલ ડોકટરોને બતાવવા જવું અને તેઓ કારમાં જઇ રહ્યા હતાં ત્યારે જ અચાનક હદયરોગનો પ્રાણઘાતક હુમલો આવ્યો હતો, ત્યારબાદ તાત્કાલીક અસરથી તેમને જી.જી.હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા હતાં, જયાં ડોકટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતાં.
ધ્રોલના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમના કુટુંબમાં તેઓ સૌથી નાના ભાઇ હતાં, આમ નાનકડા એવા ધ્રોલમાં ૪૫ વર્ષના યુવાનનું મોત થતાં ગઇકાલે સાંજે ૭:૩૦ વાગ્યે નિકળેલી સ્મશાન યાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતાં અને ધ્રોલમાં શોકનું મોજુ ફરીવળ્યું હતું.