તાજેતરમાં વનવિભાગ દ્વારા ૪૩૦ વનકર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. પરંતુ રામસર સાઇટનો દરરજો ધરાવતા વિશ્ર્વ વિખ્યાત જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્ય બે વર્ષથી ફોરેસ્ટર વિહોણું હોવા છતાં અભ્યારણ્યમને નિમણૂંકમાંથી બાકાત રાખવામાં આવતા આ મુદો ભારે વિવાદ અને ચર્ચાની સાથે તપાસનો વિષય બન્યો છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓનો ભારે ધસારો હોવા છતાં ફોરેસ્ટર ન મૂકાતા અનેક સવાલ ઉઠ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓની ચાપલૂસી કરી ફરજમાં ડાંડાઇ કરતા એક કર્મચારી આ સ્થળે નિમણૂંક માટે હવાતિયા મારી રહ્યા હોવાનું પણ વનવિભાગના કર્મચારીઓમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.
રાજયના વનવિભાગ દ્રારા થોડા દીવસો પહેલા ૪૩૦ બીટગાર્ડને ફોરેસ્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રકારે બદલી અત્યાર સુધી સર્કલ ઓફીસ દ્રારા થતી હતી. પરંતુ સંભવત: પ્રથમ વખત એક સાથે ૪૩૦ વનકર્મીઓની બદલી ગાંધીનગરથી કરવામાં આવતા મુશ્કેલીની સાથે વિવાદો સર્જાયા છે. જામનગરનું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કે જે રામસર સાઇટનો દરરજો ધરાવે છે અને વિશ્ર્વ વિખ્યાત છે. બે પાર્ટમાં આવેલા આ અભ્યારણ્ય ખૂબજ મોટો વિસ્તાર ધરાવે છેે. આટલું જ નહીં દર વર્ષે લાખોની સંખ્યામાં જુદી-જુદી પ્રજાતિઓના પક્ષીઓ આવતા મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે આ અભ્યારણ્ય સ્વર્ગ સમાન છે.
જામનગર અને દેવભૂમિ દ્રારકાની મુલાકાતે આવતા વીઆઇપી મહેમાનો પણ આ અભ્યારણ્યની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આથી પક્ષી અભ્યારણ્યમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર કામગીરીનું ખૂબજ ભારણ રહે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે વિશ્ર્વભરમાં જાણીતા આ અભ્યારણ્યમાં છેલ્લાં બેએક વર્ષથી બે ફોરેસ્ટરની જગ્યા ખાલી પડી છે. નવાઇની વાત તો એ છે કે, તાજેતરમાં ૪૩૦ બીટગાર્ડને બઢતી આપી ફોરેસ્ટર બનાવામાં આવ્યા છે. પરંતુ આ અભ્યારણ્યમાં ખાલી પડેલી જગ્યા પર એક પણ ફોરેસ્ટરને મૂકાયા નથી. ચોંકાવનારી વાત તો એ છે કે, રાજયમાં જયાં જરી નથી તે સ્થળે બઢતી પામેલા ફોરેસ્ટરને મૂકવામાં આવ્યા છે. આથી બઢતી અંગે અનેક સવાલ ઉઠ્યા છે.
આ મુદે વનવિભાગના વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે. ત્યારે વનવિભાગમાં ફરજ બજાવતા એક સ્થાનીક વનકર્મચારી કે જે ઉચ્ચ અધિકારીઓની ચાપલૂસી કરી ફરજમાં ડાંડાઇ કરતા હોય તેને આ જગ્યા પર નિમણૂંક જોઇતી હોય હવાતિયા મારી રહ્યા છે. આ કારણોસર પણ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં ફોરેસ્ટર મૂકવામાં ન આવ્યાની ચર્ચાએ પણ જોર પકડયું છે. બીજી બાજુ મસમોટા ખીજડીયા અભ્યારણ્યમાં એક પણ વાહન ન હોવાનું પણ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. દોઢેક વર્ષ પહેલા વાહન હતું, તેનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. ત્યારે વનવિભાગમાં અન્ય સ્થળો પર મોંઘાદાટ વાહન ફાળવવામાં આવે છે, અભ્યારણ્યમાં કોઇ વાહન ફાળવવામાં ન આવતા આ મુદો પણ વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application