રણજીતસાગર રોડ પરથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનારા 4 વિક્રેતાઓ પકડાયા

  • October 28, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ સહિતની ટુકડી દ્વારા ચેકીંગ: શહેરમાં ગેરકાયદે સ્ટોલ ઉભા કરનારા સામે તવાઇ


જામનગર શહેરમાં રણજીત સાગર તરફના જાહેર રોડ પર અનેક સ્થળે ફટાકડાના વેચાણ કેન્દ્ર શરૂ થયા છે, દરમિયાન પોલીસની તપાસમાં 6 વિક્રેતાઓ લાઇસન્સ મેળવ્યા વિના ફટાકડા નું વેચાણ કરતાં ઝડપાયા છે. જેની સામે ગુનો દાખલ કરાયો છે.


દિવાળીના તહેવાર અનુસંધાને એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ઝાલના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં ગેરકાયદે લાયસન્સ વિના ફટાકડાનુ વેચાણ અટકાવવા સુચના કરી હતી જેથી સીટી એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ રાઠોડ અને સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને પોલીસ સહિતની ટુકડીઓ દ્વારા પવનચક્કીથી રણજીતસાગર રોડ કીર્તી પાન વિસ્તાર સુધી ચેકીંગ કરાયુ હતુ જેમાં ચાર ફટાકડા સ્ટોલનાં વિક્રેતા ઝપટમાં આવ્યા હતા.


જામનગરના રણજીત સાગર રોડ પર સિદ્ધિવિનાયક પાર્ક સોસાયટીના ખૂણા પાસે ચેતન ઘનશ્યામભાઈ વશિયર નામના વેપારી દ્વારા જાહેર રોડ પર સ્ટોલ ઉભો કરીને ફટાકડા નું વેચાણ શરૂ કરાયું હતું, જે સ્થળે સિટી એ. ડિવિઝનના પોલીસ કર્મચારી ખોડુભા જાડેજાએ પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારનું ફટાકડા વેચાણનું લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડા નું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી પોલીસે ફટાકડા નું વેચાણ બંધ કરાવ્યું હતું, અને વિક્રેતા ચેતન વશિયર સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં બીએનએસ કલમ 288 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ ઉપરાંત તે જ વિસ્તારમાં જાહેરમાં ફટાકડા નું વેચાણ કરી રહેલા વિપુલ પ્રભુભાઈ ગંઢા નામના વેપારી ની પૂછપરછ કરતાં તેની પાસે પણ ફટાકડાનું વેચાણ કરવા માટેનું  લાયસન્સ મેળવેલું ન હતું, તેમ છતાં ફટાકડા નું વેચાણ કરતો હોવાથી તેમનું વેચાણ બંધ કરાવ્યું હતું, અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ત્યારબાદ રણજીત સાગર રોડ પર અન્ય જુદા જુદા સ્થળોએ જાહેરમાં મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા મિલન કિશોરભાઈ લીંબાસીયા અને દર્શન વિનોદભાઈ ધોકિયાની અટકાયત કરી લઈ તેઓ સામે પણ જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે.


જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી, ફાયર શાખાની ટીમ, અને પોલીસ દ્વારા રવિવારે સાંજે કિસાન ચોક થી લાલપુર ચોકડી સુધી માર્ગે  સામુહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન આઠ જેટલા સ્ટોલ ધારકો કે જેઓ દ્વારા મહાનગરપાલિકામાંથી સ્ટોલ ઉભો કરવા માટેની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોવાથી તેવા સ્ટોલ બંધ કરાવાયા હતા. જેમાં ચાર સ્ટોલ ના ટેબલ, કપડા પતરા, મંડપ સહિતનો સામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.


આ ઉપરાંત અન્ય ચાર મોટા સ્ટોલધારકો કે જેઓને તાત્કાલિક અસરથી પોતાનો સ્ટોલ બંધ કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે. પોલીસના ચેકિંગ દરમિયાન બે સ્ટોલધારકોએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ફટાકડા નું વેચાણ શરૂ કર્યું હોવાથી તે બંને વિક્રેતાઓ સામે જાહેરનામાના અંગે ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.જેના પગલે ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ઉભા કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application