કોરોના કાળમાં ખીમશીયા પરિવારનાં ૯ સભ્યો સંક્રમિત થયા: જે પૈકી ૪ સભ્યોએ પકડી અનંતની વાટ

  • June 01, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનાં સેવાભાવી મહાજન પરિવાર સાથે સર્જાઈ 'કોવિડ કરૂણાંતિકા' : ખીમસીયા પરિવારના એક સદસ્ય મોક્ષ ફાઉન્ડેશન ની સંસ્થામાં પણ ટ્રસ્ટી તરીકે સેવારત

દુનિયામાં એકવીસમી સદીનો ઇતિહાસ પ્રી-કોવિડ અને પાસ્ટ-કોવિડ એમ બે ભાગોમાં વહેંચાયેલો રહેશે, એ નક્કી છે. કારણકે હજુ કોરોનાકાળ વીત્યો નથી ત્યાં કોરોનાએ એટલી કરૂણાંતિકાઓ સર્જી દિધી છે, જેની કોઇએ કલ્પના પણ નહી કરી હોય. જામનગરમાં જે.કે.બ્રાસ ઇન્ડસ્ટ્રીઝવાળા અગ્રણી મહાજન ખીમશીયા પરીવાર સાથે પણ કોવિડ કરૂણાંતિકા સર્જાઈ છે.છેલ્લા કેટલાક સમયમાં ખીમશીયા પરિવારનાં ૯ સભ્યો  ક્રમશઃ કોરોના સંક્રમિત થયા અને એ પૈકીનાં ૪ સભ્યો કોરોના સામેનો જંગ હારી ગયા. 

સેવાભાવી તથા ભામાશા પરિવાર તરીકે ખ્યાતિ ધરાવતા અને શ્રીનિવાસ કોલોનીમાં વસવાટ કરતાં ખીમશીયા પરિવારમાં સૌપ્રથમ પ્રવીણભાઇ ખીમજીભાઇ ખીમશીયા કોરોનાગ્રસ્ત થયા હતા અને ગત વર્ષની ૧૨મી ઓગસ્ટે તેમનું અવસાન થયું હતું. તેમનાં પત્ની નર્મદાબેન પણ કોરોનાગ્રસ્ત થયા હતા અને રાજકોટ સારવાર મેળવી તેમણે કોરોનાને મ્હાત આપી હતી, પ્રવીણભાઈનાં મૃત્યુનાં માત્ર ૧૫ દિવસ પછી જ ગત વર્ષની ૨૭ ઓગસ્ટે તેમનાં ભાઇ જયેશભાઇ ખીમજીભાઇ ખીમશીયાનું પણ રાજકોટમાં કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

ખીમશીયા પરિવાર ના મનુભાઇ ખીમજીભાઇ કે જેઓ જામનગર ની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે, અને મનુભાઈ મેટ્રો ના નામથી પ્રચલિત છે. જેઓ કોરોના માં મૃત્યુ પામેલા દર્દીઓ ના મૃતદેહો ની અંતિમ વિધિ કરાવવામાં ખૂબ જ મદદરૂપ રહ્યા છે. તેઓ પણ પણ કોરોનાગ્રસ્ત થતાં જી.જી. હોસ્પિટલમાં ૧૭ દિવસ સુધી મહામારી સામે ઝઝૂમી કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા. તેમનાં પત્ની ભાનુબેન પણ કોરોના પોઝીટીવ થયા પછી હોમ આઈસોલેટ રહી કોરોનામુક્ત થયા છે.

તાજેતરમાં જ ખીમશીયા પરિવાર ના ધીરજલાલ ખીમજીભાઇ ૬૩ વર્ષની વયે ૨૭.૫.૨૧ નાં દિને મહામારી સામેનો જંગ હારી ગયા. તેમનાં કોરોનાગ્રસ્ત પુત્ર જ્યોત જી.જી.હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થઈ ગયા, તથા તેમનાં પત્ની રેખાબેન ધીરજલાલ પણ હોમ આઈસોલેટ રહી કોરોનામુક્ત થયા છે.

ધીરજલાલનાં અવસાનનાં માત્ર ત્રણ દિવસ પછી ૩૦.૫.૨૦૨૧ નાં દિને તેમનાં માતા તથા ખીમશીયા પરીવારનાં મોભી વડીલ ૮૮ વર્ષીય ગંગાબેન ખીમજીભાઇનું જી.જી. હોસ્પિટલમાં ૪ દિવસની સારવાર પછી અવસાન થતાં ખીમશીયા પરિવારને સ્વજનોની વિદાય સાથે છત્ર ગુમાવવાનો આઘાત પણ જીરવવો પડ્યો છે, કોરોનાએ ખીમશીયા પરિવાર પાસેથી એક પછી એક સ્વજનો છીનવી લેતાં  સેવાકાર્યોમાં અગ્રેસર રહેતા પરિવાર ઉપર વજ્રાઘાત થયો હોય તેવી પ્રતીતી થાય છે.

કોરોનાની ત્રીજી લહેર ન આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરવાની સાથે જ વેક્સિન લઈએ તથા માસ્કનો અચૂક ઉપયોગ અને સોશ્યલ ડીસ્ટન્સ જેવી સાવધાનીને જીવનશૈલીમાં વણી લઇએ તો જ કોરોના'કાળ' ને સ્વજનોની સાથે પાર કરી શકશું. 'આપણે સલામત તો આપણા સ્વજનો સલામત' એ મંત્રને દરેક વ્યક્તિએ અપનાવી લેવાની જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)