જામનગરમાં ક્રિકેટ બંગલામાં મ્યુઝીયમ બનાવવાની હિલચાલ

  • January 11, 2021 11:42 AM 821 views

બે વર્ષથી કાચબા ગતિએ ચાલતું સ્વીમીંગ પુલનું કામ હજુ પુર્ણ નથી થયું અને ખેલાડીઓની પ્રેકટીસ કરવાની જગ્યા પણ રોકાઇ છે ત્યારે રણજી ટ્રોફી કે આંતરરાષ્ટ્રીય મેચો જામનગરને કયાંથી મળે: મેદાનના મામલે રાજકીય નેતાઓ ચુપ...!!!

જામનગરના મહારાજા જામરણજીતસિંહજીના નામ ઉપરથી રણજીટ્રોફી ક્રિકેટ ટુનર્મિેન્ટ રમાઇ રહી છે, જામનગરે અનેક ક્રિકેટરો આપ્યા છે, રાજાશાહી વખતના અને હાલમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આ મેદાનમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને સ્વીમીંગ પુલ બની રહયા છે, અધુરામાં પુ હવે આ મેદાનમાં સ્પોર્ટસ મ્યુઝીયમ બનાવવાની હીલચાલ થઇ રહી છે જેથી ક્રિકેટપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.

જયાં જામનગરના નાના બાળકો પ્રેકટીસ કરી રહયા છે તે જગ્યા ઉપર સરકારે સ્વીમીંગપુલ અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહયું છે, આ કામ કાચબા ગતીએ ચાલી રહયું છે, તેના લીધે મેદાનમાં પણ કાપ આવ્યો છે, લગભગ છેલ્લા 29 વર્ષથી જામનગરના આ મેદાન ઉપર કોઇપણ ફર્સ્ટકલાસ ક્રિકેટ મેચ રમાયો નથી, ખરેખર જામનગરને રણજીટ્રોફી અને ઇરાનીટ્રોફીના મેચો મળે તેવી સુવિધા કરવી જોઇએ ત્યારે ઇન્ડોર સ્પોર્ટસ અને ઇન્ડોર સ્વીમીંગ પુલને કારણે મેદાન કપાઇ ગયું છે.

જામનગરમાં સ્પોર્ટસ મ્યુઝીયમ બને તે ખુબ જ આવકારદાયક છે, પરંતુ આ અજીતસિંહજી પેવેલીયનના બદલે અન્ય જગ્યાએ જો બનાવવામાં આવે તો ખેલાડીઓને લાભ થઇ શકે કારણ કે હવે જો આ મેદાનમાં મ્યુઝીયમ બનાવવમાં આવે તો મેદાનમાંથી પણ કેટલોક ભાગ કાપવો પડે અને જયાં નાના બાળકો પ્રેકટીસ કરી રહયા છે તેને ખુબ જ મુશ્કેલી પડે.

એક તરફ મેદાનમાં જગ્યાનો અભાવ છે, સ્પોર્ટસ અને સ્વીમીંગ પુલનું કામ ધીમીગતીએ ચાલી રહયું છે, ત્યારે હજુ મેદાનમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટસ મ્યુઝીયમ બનાવવા માટે જમીનની માપણી કરવામાં આવી છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. ભવિષ્યમાં પણ જામનગરને મોટી મેચો મળશે કે કેમ તે અંગે પણ એક પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે.

જામનગરે અનેક ક્રિકેટરો આપ્યા છે, જેમના નામે રણજીટ્રોફી રમાય છે તેમના જ શહેરમાં કોઇપણ પ્રકારના ફર્સ્ટકલાસ કક્ષાના ક્રિકેટ મેચ રમાતા નથી તે દુ:ખદ બાબત છે, રાજયના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઇઆઇ યુનિટ દ્વારા સ્પોર્ટસ મ્યુઝીયમ બનાવવા માટે જગ્યાની માપણી કરવામાં આવી છે, અને ભવિષ્યમાં જો આ મ્યુઝીયમ બનશે તો મેદાનની વધુ જગ્યા રોકાશે.

ક્રિકેટ બંગલાને ભવ્ય બનાવવાની વાત તો એકબાજુ રહી પરંતુ આડેધડ નિર્ણયો કરીને જે રીતે મેદાન કાપવાની વાત થઇ રહી છે, નવું મ્યુઝીયમ બનાવવા માટે જમીનની માપણી કરવામાં આવી છે ત્યારે રાજકીય અગ્રણીઓ ચુપચાણ નજરે આ તમાશો જોઇ રહયા છે તે બહુ જ દુ:ખદ વાત છે જો આમને આમ ચાલશે તો જામનગરને ક્રિકેટ મેચ મળશે કે કેમ તેના ઉપર અત્યારે સવાલ ઉભો થયો છે, ખરેખર રાજકીય અગ્રણીઓએ અન્ય જગ્યાએ સ્પોર્ટસ મ્યુઝીયમ બને તે માટે સરકારમાં ઉચ્ચકક્ષાએ રજુઆત કરવી જોઇએ તેવું ક્રિકેટ ચાહકોનું કહેવું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application