ડીઝલની તંગી, ભાવ વધારાથી ફટકો, જામનગરમાં ૩૦ ટકા ખાનગી બસના પૈંડા થંભ્યા..!
ખાનગી બસની ટીકીટના ભાવમાં રૂ.૧૦૦નો વધારો, ટ્રાવેલ્સના વ્યવસાયની માઠી
વેકેશન પરંતુ ગરમીના કારણે મુસાફરો પ્રવાસ ટાળતા મુશ્કેલી બેવડાઇ: જો આ જ સ્થિતિ રહી તો હજુ ખાનગી બસની મુસાફરી વધુ મોંઘી બનશે
ડીઝલની તંગી અને ભાવ વધારાથી જામનગરના ટ્રાવેલ્સના વ્યવસાયને ખૂબજ માઠી અસર પહોંચી છે. કારણ કે, ખાનગી બસના માલીકોએ ટ્રીપમાં ૩૦ ટકા કાપ મૂકયો છે એટલે કે આટલી ખાનથી બસના પૈંડા થંભી ગયા છે.
આટલું જ નહીં ડીઝલના ભાવ જેટ ગતિએ વધતા અમદાવાદ, સુરત, બરોડાની ખાનગી બસની ટીકીટના ભાવમાં રૂ.૧૦૦નો વધારો કરવાની ખાનગી ટ્ર્રાવેલ્સના માલીકોને ફરજ પડી છે. આ કપરી સ્થિતિમાં વેકેશન હોય પરંતુ ગરમીના કારણે મુસાફરો પ્રવાસ ટાળતા ખાનગી ટ્રાવેલ્સના માલીકોની મુશ્કેલી બેવડાઇ છે. જો આ જ સ્થિતિ રહી તો હજુ ખાનગી બસની મુસાફરી વધુ મોંઘી બનશે તેમાં બેમત નથી.
અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વાટાઘાટોના દૌરના પગલે વિરામની સ્થિતિ પ્રર્વતી રહી છે. પરંતુ ક્રુડ ઓઇલ, ગેસની આયાત-નિકાસ માટે ખૂબજ મહત્વની હોર્મુઝની ખાડી હજુ બંધ હોય ભારતમાં ઇંધણની સ્થિતિ વણસી રહી છે. કારણ કે, ગુજરાતની સાથે જામનગરમાં પણ છેલ્લાં સપ્તાહથી ડીઝલની અછત દીન-પ્રતિદીત વધતી જાય છે. ધોરીમાર્ગો પર મોટા ભાગના પેટ્રોલપંપો પર ડીઝલ ખલાસના બોર્ડ જોવા મળી રહ્યા છે, તો શહેરમાં રૂ.૧૦૦૦ થી ૫૦૦નું ડીઝલ વાહનમાં ભરવામાં આવતું હોવાની ફરિયાદો સામાન્ય બની છે. આ સ્થિતિમાં ડીઝલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ડીઝલની તંગી અને ભાવ વધારાએ ટ્રાન્સપોર્ટોેશન ઉધોગની કમર ભાંગી નાંખી છે.જેમાંથી ખાનગી બસો પણ બાકાત નથી.
જામનગર ટ્રાવેલ્સ બસ ઓપરેટર એસોસીએશનના ચેરમેન રાજુભાઇ કનખરાએ જણાવ્યું હતું કે, ડીઝલના ભાવમાં વધારો અને તંગીના કારણે ખાનગી બસના માલીકોને બસની ટ્રીપમાં ૩૦ ટકા કાપ મૂકવાની ફરજ પડી છે. પહેલા જામનગરથી ખાનગી બસની અમદાવાદની ૪૦ જેટલી ટ્રીપ ઉપડતી હતી, જેની હાલમાં સંખ્યા ઘટીને ૨૫ થી ૩૦ થઇ છે. આ જ રીતે સુરતની પણ દરરોજ ૪૦ ટ્રીપ ઉપડતી હતી જે ઘટીને ૩૦ તો બરોડોની જે ૩૦ ટ્રીપ હતી તે ઘટીને ૧૮ જેટલી થઇ છે. આટલું જ નહીં ડીઝલમાં ભાવ વધારાથી ખાનગી બસના માલીકોએ ટીકીટના ભાવમાં રૂ.૧૦૦નો વધારો કર્યો છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે પરંતુ તીવ્ર ગરમીના કારણે જોઇએ તેટલી સંખ્યામાં મુસાફરો મળતા નથી. આથી બેવડો માર પડયો છે. તદઉપરાંત ટ્રેનની સુવિધાના કારણે પણ ખાનગી બસમાં મુસાફરોની સંખ્યા ઘટી છે. ડીઝલમાં ભાવ વધતા ખાનગી બસના માલીકોને ટુરમાં જતી બસોના ભાવમાં કીલોમીટરના ભાવમાં રૂ.૫નો વધારો કરવાની ફરજ પડી છે. મીની બસ નોન એસી રૂ.૩૫ અને એસીમાં રૂ.૬૦ પ્રતિ કીલોમીટર, અર્બનીયા બસમાં રૂ.૩૫ પ્રતિ કીલોમીટર, ટેમ્પો ટ્રાવેલરમાં નોન એસીમાં રૂ.૨૭ અને એસીમાં રૂ.૩૦ પ્રતિ કીલોમીટર, મોટી બસમાં નોન એસીમાં રૂ.૪૫ અને એસીમાં રૂ.૬૦ પ્રતિ કીલોમીટર ભાડું કરાયું છે. આટલું જ નહીં જો ડીઝલની તંગી અને ભાવ વધારો યથાવત રહ્યો તો આગામી દીવસોમાં હજુ પણ ખાનગી બસની ટીકીટ અને કીલોમીટરના ભાવમાં વધારો કરવાની ફરજ પડશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.