જામનગર શહેરમાં બ્રાસના દેશી ભંગારની પેઢીઓમાં ૩૦ કલાક સ્ટેટ જીએસટીની તપાસ
કાર્યવાહી પૂર્ણ: રાજકોટ-અમદાવાદના અધિકારીઓની ૨૨ ટીમ ૩૦ વાહનોમાં દરેડ ફેઝ-૨માં ત્રાટકી હતી
શેડ નં.૫૫૫માં આવેલા જાનકી કોમ્પલેકસ સહીત અન્ય સ્થળે તવાઇ બોલાવી હતી: શહેરમાંથી વધુ એક વખત મસમોટી કરચોરી ખુલવાની શકયતા
જામનગરમાં બ્રાસના દેશી ભંગારની પેઢીઓમાં સ્ટેટ જીએસટીની ટીમોએ પાડેલા દરોડામાં ૩૦ થી વધુ કલાક તપાસ ચાલી હોવાનું જાણવા મળ્યું છે. બોગસ બીલીંગની ફરિયાદોના પગલે રાજકોટ-અમદાવાદના અધિકારીઓની ૨૨ ટીમ ૩૦ વાહનોમાં દરેડ ફેઝ-૨માં ત્રાટકી હતી. જેમા શેડ નં.૫૫૫માં આવેલા જાનકી કોમ્પલેકસ સહીત અન્ય સ્થળે તવાઇ બોલાવી હતી. આથી શહેરમાંથી વધુ એક વખત મસમોટી કરચોરી ખુલવાની શકયતા નકારી શકાતી નથી. ત્યારે જીએસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવનાર પેઢીના નામ અને કરચોરીના આંકડા પર સૌની મીટ મંડાઇ છે.
જામનગરમાં બોગસ બીલીંગના કૌંભાડોએ હદ વટાવી છે. ત્યારે લાંબા સમય બાદ વધુ એક વખત શનિવારે શનિવારે સ્ટેટ જીએસટી વિભાગની ૨૨ ટીમે દરેડ ઔધોગીક વિસ્તારમાં આવેલા શેડ નં.૫૫૫માં જાનકી કોમ્પલેકસ સહીત અન્ય સ્થળો પર આવેલી બ્રાસના ભંગારના વેપારીઓની પેઢીઓમાં દરોડા પાડયા હતાં. બોગસ બીલીંગના આધારે ભંગાર મંગાવી કરોડોની જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ અને બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. આટલું જ નહીં સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ભંગારના વેપારીઓની પેઢીઓમાં તથા તેના માલીકોના રહેણાંક મકાને તપાસ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. દરોડા દરમ્યાન જીએસટીના અધિકારીઓએ આ પેઢીઓમાં આવક-જાવકના હીસાબો, બીલ સહીતના અન્ય સંખ્યાબંધ દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ તપાસ ૩૦ કલાક સુધી ચાલી હતી અને તપાસના અંતે અધિકારીઓએ શંકાસ્પદ દસ્તાવેજો, સાહીત્ય અને બીલ જપ્ત કર્યા હતાં. તદઉપરાંત બે વેપારીની અટકાયત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. બ્રાસઉધોગમાં બે પ્રકારના ભંગાર આવે છે. જેમાં એક હની એટલે કે ઇમ્પોર્ટેડ મતલબ કે ઉંચી કીંમતનો અને બીજો વીલાયતી એટલે કે દેશી સ્થાનિક કક્ષાના ભંગારનો સમાવેશ થાય છે.
જીએસટીની ટીમોએ દરેડ સહીતના વિસ્તારોમાં આવેલી દેશી ભંગારની પેઢીઓ પર તવાઇ બોલાવી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આથી ભંગારના વેપારીઓ પર જીએસટીની ટીમો દ્વારા દરોડાની કાર્યવાહીથી વધુ એક વખત મસમોટી જીએસટી ચોરીનું કૌંભાડ ખુલવાની શકયતા નકારી શકાતી નથી. ત્યારે જીએસટી વિભાગ દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવનાર પેઢીઓના નામ અને કરચોરીના આંકડા પર સૌની મીટ મંડાઇ છે. પરંતુ તે જીએસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે કે કેમ તે એક સળગતો સવાલ છે.