ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ GIDC વિસ્તારમાં ૧૪ મેની રાત્રિએ એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના ઘટી છે. ‘મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસને કારણે ગૂંગળામણથી મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ઘટનાને પગલે શ્રમિકોની સુરક્ષા અને કંપનીઓની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
બચાવવા જતાં એક પછી એક કાળનો કોળિયો બન્યા
મળતી વિગતો અનુસાર, સઈજ GIDCમાં આવેલી આ કંપનીના યુનિટ સી/૧૫ થી ૧૮માં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે એક આરસીસીની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે. ૧૪ મેની રાત્રિના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ આ ટાંકીની સફાઈ શરૂ કરવામાં આવી હતી. મોટર પંપ વડે પાણી કાઢ્યા બાદ તળિયે જમા થયેલો કચરો કાઢવા માટે સૌ પ્રથમ અમિત પરીહાર અને અમરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતર્યા હતા. જોકે, અંદર ઓક્સિજનની અછત અને ઝેરી ગેસને કારણે તેઓ ઉતરતાની સાથે જ બેભાન થઈ કાદવમાં ફસાયા હતા.
પોતાના સાથીદારોને મુસીબતમાં જોઈ તેમને બચાવવા માટે અનિલ લોધી અને ત્યારબાદ શિવનાથ દુબેએ પણ ટાંકીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ વિધિની વક્રતા તો જુઓ, મિત્રોને બચાવવા ગયેલા આ શ્રમિકો પણ ઝેરી વાયુનો શિકાર બન્યા હતા. પ્લાસ્ટિકના કેરબા અને લોખંડની સીડીના સહારે ઉતરેલા શ્રમિકોને ગૂંગળામણ થતા તેઓ બહાર નીકળી શક્યા નહોતા. આમ, એકબીજાને બચાવવાની મથામણમાં ત્રણ જિંદગીઓ હોમાઈ ગઈ હતી.
મૃતકોની ઓળખ અને કાનૂની કાર્યવાહી
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાનો પરપ્રાંતીય હતા અને અહીં પેટીયું રળવા આવ્યા હતા, મૃતકોના નામ નીચે મુજબ છે.
અમિત પ્રીતમ પરીહાર (ઉંમર ૩૨, રહે. મધ્યપ્રદેશ)
અમરકુમાર શ્રીવાસ્તવ (ઉંમર ૩૩, રહે. ઉત્તર પ્રદેશ)
શિવનાથ રામશંકર દુબે (ઉંમર ૪૪, રહે. ઉત્તર પ્રદેશ)
જ્યારે અનિલ ભગવાન લોધી હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કલોલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ટાંકીમાં કયા પ્રકારનો ઝેરી વાયુ હતો.
સુરક્ષાના સાધનોના અભાવે લેવાયો ભોગ?
આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સલામતી અંગેના દાવાઓની પોલ ખોલી નાખી છે. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યારે કેમિકલયુક્ત પાણીની ટાંકી સાફ કરવાની હતી, ત્યારે શ્રમિકોને સેફ્ટી ગિયર્સ, ગેસ માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર જેવી પાયાની સુરક્ષા કેમ પૂરા પાડવામાં ન આવ્યા? એફએસએલ (FSL)ની મદદથી ટાંકીમાં રહેલા ઝેરી ગેસની તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કંપનીની બેદરકારી સાબિત થશે, તો સંચાલકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પરપ્રાંતથી ગુજરાન ચલાવવા આવેલા ત્રણ યુવાનોના મોતથી શ્રમિક આલમમાં શોક સાથે ઉગ્ર રોષની લાગણી વ્યાપી ગઈ છે.