રાજકોટના ત્રંબા પાસે આવેલી મુરલીધર નર્સિંગ કોલેજમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કોલેજની લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પર અચાનક ચાલુ પંખો પડતા ત્રણ છાત્રાઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે કોલેજ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સંચાલકો સામે હલ્લાબોલ કર્યો હતો.
લાયબ્રેરીમાં મચી ચીસાચીસ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ જ્યારે લાયબ્રેરીમાં નિયમિત અભ્યાસ ચાલી રહ્યો હતો, ત્યારે છત પરથી એક પંખો અચાનક નીચે બેસેલી વિદ્યાર્થિનીઓ પર પડ્યો હતો. આ અકસ્માતમાં રિંકુ દેશાણી, ધારા રાત્યા અને અસ્મિતા વાઘેલા નામની વિદ્યાર્થિનીઓને માથા અને કપાળના ભાગે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ હાલ ત્રણેયને રજા આપી દેવામાં આવી છે.
જર્જરિત બિલ્ડિંગ અને તંત્રની બેદરકારી
વિદ્યાર્થીઓનો આરોપ છે કે કોલેજનું બિલ્ડિંગ અને ગર્લ્સ હોસ્ટેલ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સંચાલકોએ માત્ર ફી વસૂલવામાં જ રસ દાખવ્યો છે. વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો કોલેજ ચલાવી ન શકતા હોય તો બંધ કરી દો, પરંતુ વિદ્યાર્થીઓના જીવ સાથે રમત ન રમો.