જૂનાગઢમાં અષાઢી બીજે રથયાત્રા નિમિત્તે કાલથી ૩ દિવસ ધાર્મિક કાર્યક્રમો

  • June 17, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં  ગંધ્રપ વાડા ખાતે પુરીના જગન્નાથજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતી ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમ અને ભગવાન જગન્નાથજીની શોભા યાત્રા સહિતના ત્રિ દિવસીય કાર્યક્રમનો આવતીકાલથી પ્રારંભ થશે. 
​​​​​​​
કાર્યક્રમ અંતર્ગત પૂર્વ તૈયારી રૂપે જગન્નાથજી મહોત્સવ સમિતિ દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આ વર્ષે  તા.૧૮ ને રવિવારે રાત્રે યોજાનાર રાધાકૃષ્ણ ભક્તિ સંગીત ગ્રુપ આયોજિત ભજન સંધ્યા અને શોભાયાત્રા સંપન્ન થયા બાદ રાત્રે  હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકો માટે યોજાતા મહાપ્રસાદનો કાર્યક્રમ મૌકૂફ રાખવામાં આવ્યો છે. 
ત્રિ દિવસીય કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે રવિવારે સવારે ૯ થી૪  વાગ્યા સુધી વિષ્ણુયાગ યજ્ઞ,  તા.૧૯ ને સોમવારે જગન્નાથજી મંદિર ખાતે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા, અને મંગળવારે અષાઢી બીજના દિવસે સવારે ભગવાનનું શાહી સ્નાન, બીજ હાંડી, આરતી, અને બપોરે મહાનુભવો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પહીંંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની ભવ્ય રથયાત્રા શહેરના માર્ગો પર નીકળશે. બહેન સુભદ્રાજીના રથને વિવિધ મહિલા મંડળો અને બહેનો દ્વારા ખેંચવામાં આવશે. 


આ વર્ષે શોભાયાત્રા માં વિવિધ ફ્લોટ જોડાશે. આ ઉપરાંત લેજિમ ટીમ, રાસ મંડળી, ધૂન મંડળ અને યુવક મંડળો બેન્ડબાજા ના સથવારે શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રા ના રૂટ પર ભાવિકોને સાકર,  મીઠા દાણા , માંડવીના બી , અને રેવડી  સહિતનો પ્રસાદ નો વિતરણ કરવામાં આવે છે જેના પેકિંગ અંગે જગન્નાથજી મંદિરે સેવકો દ્વારા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના માર્ગદર્શન હેઠળ તડામાર કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ધામધૂમ પૂર્વક કરવામાં આવશે જેને લઇ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application