BREAKING NEWS

રાજકોટવાસીઓ ખાતા પહેલા સાવધાન, G.J-5 સેન્ડવિચ & પિઝામાંથી 28 કિલો અખાદ્ય જથ્થો મળ્યો

  • June 02, 2026 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાલાવડ રોડ પર આવેલ "G.J-5 સેન્ડવિચ & પિઝા" માંથી એક્સપાયરી ડેટ વીતેલા અને વાસી 28 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં 21 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી, જેમાં 6 ને લાઇસન્સ બાબતે સૂચના અપાઈ હતી. વધુમાં, વિવિધ આઇસ્ક્રીમ પેઢીઓમાંથી નમૂના લઈ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લેભાગૂ તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે કાલાવડ રોડ પર આવેલી એક જાણીતી ખાદ્ય પેઢીમાં દરોડા પાડી મોટો અખાદ્ય જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો છે. આ કામગીરીને પગલે ખાણી-પીણીના બજારમાં ભારે હડકંપ મચી ગયો છે.  

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર અખબારી યાદી મુજબ, ફૂડ વિભાગની ટીમે કાલાવડ રોડ પર કટારીયા ચોક પહેલા આવેલા બીટ & બાઇટ ફૂડ ઝોનમાં કાર્યરત "G.J-5 સેન્ડવિચ & પિઝા" નામની પેઢીમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પેઢીના કિચનમાંથી ભારે ગંદકી વચ્ચે સંગ્રહ કરેલ સોસ, ચટણી, ફ્રોઝન ફૂડ, પિઝાનું રો-મટિરિયલ, ચિપ્સ અને સેન્ડવિચનો મસાલો વગેરે એક્સપાયરી ડેટ વીતેલો, વાસી અને અત્યંત ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. આરોગ્ય માટે જોખમી એવા આ કુલ ૨૮ કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કર્યો હતો અને ત્યાંથી ચીઝ (લૂઝ)નો એક નમૂનો લેબોરેટરી ટેસ્ટિંગ માટે લીધો હતો.  


FSW વાન સાથે રામાપીર ચોકડીથી રૈયાધાર સુધી ચેકિંગ, ૬ પેઢીઓને નોટિસ

આ ઉપરાંત, ફૂડ વિભાગની વિશેષ ટીમે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે શહેરના વ્યસ્ત ગણાતા રામાપીર ચોકડીથી રૈયાધાર સુધીના રોડની બંને બાજુએ આવેલા ખાધ્યચીજોનું વેચાણ કરતા કુલ ૨૧ ધંધાર્થીઓની આકરી ચકાસણી કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન સ્થળ પર જ ખાદ્યચીજોના કુલ ૧૫ નમૂનાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાંથી યોગ્ય ફૂડ લાયસન્સ ન ધરાવતા ૦૬ ધંધાર્થીઓને તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા બાબતે કડક સૂચના આપતી નોટિસ ફટકારવામાં આવી હતી.  


લાયસન્સ બાબતે સૂચના મેળવનાર ધંધાર્થીઓ

(૧) નંદની પાણીપુરી, (૨) સંતોષી બેકરી, (૩) સાગર ડેરીફાર્મ, (૪) ઠાકરધણી હોટેલ, (૫) ઠાકરધણી દાળ-પકવાન અને (૬) શ્રીનાથજી સોડા

આ સિવાય ફૂડ વિભાગની ટીમે વિસ્તારમાં આવેલી અન્ય પેઢીઓ જેવી કે રાજૂ દાળ-પકવાન, શ્રીજી વડાપાઉં, દેવજીવન હોટેલ, દ્વારકાધીશ હોટેલ, દ્વારકાધીશ મેડીસીન, નિમાવત મેડિકલ, મોહીના ટ્રેડર્સ, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, ક્રિષ્ના અમુલ પાર્લર, દેવસ્ય મેડિકલ, કોઠારી LLP, શિવમ માર્ટ, કોઠારી માર્ટ, આકાશ ડેરી ફાર્મ અને ગિરિરાજ ફરસાણની પણ ગુણવત્તા સંદર્ભે ઝીણવટભરી તપાસ કરી હતી.  


ઉનાળાની સીઝનમાં આઇસક્રીમ બ્રાન્ડ્સ પર વોચ

ચોમાસા અને ઉનાળાની મિશ્ર ઋતુમાં આઇસક્રીમનું વેચાણ ખૂબ વધતું હોવાથી, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ફૂડ વિભાગે શહેરની જાણીતી આઇસક્રીમ ઉત્પાદક અને વે્રેતા પેઢીઓ પર કડક કાર્યવાહી કરી છે. મનપા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી આઇસક્રીમના કુલ ૭ શંકાસ્પદ નમૂનાઓ લઈને તેને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.  


મંગળેશ્વર આઇસક્રીમ (૧૫૦ ફૂટ રિંગ રોડ, ચંદ્રપાર્ક): અહીંથી 'માવામલાઈ આઇસક્રીમ' અને 'કેસર પિસ્તા આઇસક્રીમ'ના લૂઝ નમૂના લેવાયા.  

બાલાજી સેલ્સ એજન્સી (માધાપર ચોકડી, જામનગર રોડ): અહીંથી 'ખુશ્બુ ડ્રાય ફ્રૂટ કાર્નિવલ આઇસક્રીમ' (૧૮૦ મિલી પેકિંગ) નો નમૂનો લેવાયો.  

સાગર સરબતવાલા & આઇસક્રીમ (પેડક રોડ): અહીંથી 'કાજુ અંજીર આઇસક્રીમ' અને 'રોસ્ટેડ આલમન્ડ આઇસક્રીમ'ના લૂઝ નમૂના જપ્ત કરાયા.  

અતુલ આઇસક્રીમ પ્રોડક્ટ (કોઠારીયા મેઇન રોડ): નીલકંઠ સિનેમા પાસે આવેલી આ પેઢીમાંથી 'સેફરોન ગોલ્ડ આઇસક્રીમ' અને 'નવરત્ન આઇસક્રીમ'ના લૂઝ નમૂના મેળવાયા છે.  

મનપાના ડેઝીગ્નેટેડ ઓફિસરના જણાવ્યા મુજબ, લેબોરેટરીના રિપોર્ટમાં જો આ નમૂના સબ-સ્ટાન્ડર્ડ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે, તો સંબંધિત પેઢીઓ સામે કાયદાકીય કડક પગલાં લઈને પેનલ્ટી વસૂલવામાં આવશે અને આગામી દિવસોમાં આ ચેકિંગ વધુ વેગવંતું બનાવાશે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application