હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ૨૮ ઉમેદવારોના ભાવી મત પેટીમાં કેદ: કાલે પરીણામ

  • February 05, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તબકકે ભાજપ માટે સરળ લાગતી જીતની સામે જયશ્રી રામ ખેડુત હીત રક્ષક પેનલ શું મુશ્કેલી સર્જશે ?: ભાજપ દ્વારા ઉમેદવારો માટે મેન્ડેટમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયા હતાં: આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે ઉમેદવારી કર્યા બાદ ચૂંટણી વનસાઇડ રહેવાના બદલે થોડી રસપ્રદ બની

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે જામનગરના હાપા માર્કેટ યાર્ડની ચૂંટણી અંતર્ગત આજે મતદાનનો દિવસ છે, સવારથી જ ખેડુત વિભાગની ૧૦, વેપારી વિભાગની ૪ બેઠક માટે મતદાનની પ્રક્રિયા શરુ થઇ હતી અને સવારના ભાગમાં મતદારોની કતારો પણ જોવા મળી હતી, અત્રે નોંધનીય છે કે, હાપા માર્કેટ યાર્ડ પર ચૂંટણી પુર્વે એક તબકકે ભાજપની સરળ જીત માનવામાં આવતી હતી પરંતુ જયશ્રી રામ ખેડુત હીત રક્ષક પેનલ દ્વારા તાકાત લગાડવામાં આવી હોવાથી પરીણામ થોડા રસાકસીભર્યા બની રહેવાની સંભાવના નકારી શકાતી નથી.
ખેડુત વિભાગની બેઠકો માટે કુલ ૧૭ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૧૦ અને ખેડુત હિત રક્ષક પેનલના ઉમેદવારોનો સમાવેશ છે, બીજી બાજુ વેપારી વિભાગની ૪ બેઠક માટે ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો મુકાબલો થયો છે અને બધાના ભાવી મત પેટીમાં સીલ થઇ ગયા છે.
ખેડુત વિભાગમાં કુલ ૭૬૦ મતદારો છે, જે પૈકીના મોટા ભાગના મતદારો સવારથી જ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતાં અને પોતાનો મત પેટીમાં નાખ્યો હતો એ જ રીતે વેપારી વિભાગ માટે ૧૧૦ મતદારો દ્વારા મતદાન કરવામાં આવેલ છે. આવતીકાલે પરીણામનો દિવસ હોવાથી થોડી ઉત્તેજના જળવાયેલી છે.
 અત્રે નોંધનીય છે કે, હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો આશાનીથી લહેરાશે એવું પહેલા લાગતું હતું, પરંતુ જયારથી જયશ્રી રામ ખેડુત હીત રક્ષક પેનલ દ્વારા પોતાના ઉમેદવારો રાખવામાં આવ્યા છે અને જે રીતે પુરી તાકાત સાથે આ પેનલ દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે તેના પરથી એવી શકયતા પ્રબળ બની છે કે, હવે યાર્ડની ચૂંટણીના પરીણામ બીલકુલ વનસાઇડ અને નિરસ રહ્યા નથી, પરંતુ ઉત્તેજનાસભર બની ગયા છે.
એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક મોટા માથાઓ ઉમેદવારો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા ઉમેદવારી કરીને પેનલ બનાવવામાં આવી હોવાથી ચૂંટણી થોડીઘણી ચર્ચાસ્પદ બની છે, મતદાનની પ્રક્રિયા સવારથી બપોર સુધી શાંતિપૂર્ણ રીતે ચાલી છે અને ઉમેદવારોના ભાવી મત પેટીમાં સીલ થઇ ગયા છે. મતદારોએ કોને શું આપ્યું તેનો ચુકાદો આવતીકાલે આવી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application