નેક માટે યુનિવર્સિટી નવેસરથી પ્રક્રિયા હાથ ધરશે: ઉપકુલપતિ

  • February 14, 2020 04:57 PM 4 views

નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કમિટીએ પોતાની વેબસાઇટ પરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિનું નામ હટાવી લેવાથી નિરાશ થવાની જરૂર નથી. કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવેસરથી ગ્રેડ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરશે તેવી જાહેરાત ઉપકુલપતિ ડોક્ટર વિજયભાઈ દેસાણીએ કરી છે. વિજયભાઈ દેસાણી વધુમાં જણાવ્યું હતું કે નેકમાં એક્રેડિટેશન માટે ત્રણ વખત પ્રયત્ન કરી શકાય છે અને હજુ વધુ એક પ્રયત્ન કરવામાં આવશે. ફાર્મસી વિભાગના બે અભ્યાસક્રમની મંજૂરીનો વિવાદ ચાલે છે તેમાં નવેસરથી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અરજી કરવામાં આવી છે. ટૂંક સમયમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ઇન્સ્પેક્શન આવશે.


પીસીઆઇની મંજૂરી મળ્યા બાદ નવેસરથી નેકમાં અરજી કરાવશે કરવામાં આવશે પરંતુ આમાં હવે ૪ થી ૬ મહિના જેટલો સમયગાળો પસાર થઇ જશે તેમ ઉપકુલપતિએ જણાવ્યું હતું ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર નવીનભાઈ શેઠનો આ બાબતે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.ફાર્મ ને લગતા બે અને એમ ફાર્મના ચાર અભ્યાસક્રમ ચાલે છે. વધારાના ૨ અભ્યાસક્રમની મંજૂરી માટે અત્યાર સુધી પાયાની માળખાગત સુવિધા જે હોવી જોઈએ તે ન હોવાના કારણે અરજી કરી શકાય નથી .જોકે આ બંને અભ્યાસક્રમોને એઆઈસીટીઇની મંજૂરી છે અને તેથી તેની કાયદેસરતાને પડકારી ન શકાય. નવા બન્ને અભ્યાસક્રમ માટે લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને તેથી હવે જ્યારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરવામાં આવશે ત્યારે તે મંજુર રહેવાની પૂરેપૂરી સંભાવના છે.


નવીનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તારીખ ૩૧ માર્ચ સુધીમાં મંજૂરીને લગતી તમામ પ્રક્રિયા પૂરી કરી દેવાનો હાઈકોર્ટનો આદેશ છે . તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યભરમાંથી આવેલી તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અરજી સંદર્ભે નિર્ણય લેવાઈ જશે.ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આવેલી અરજીઓમાંથી સૌપ્રથમ ગ્રાન્ટેડ અને સરકારી સંસ્થાઓમાં ઇન્સ્પેક્શન પૂરું કરે છે તે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ માસના અંત સુધીમાં ઇન્સ્પેક્શન પૂરું થવાની શક્યતા છે.