તારાપુર હાઈવે પર કૂતરૂ આડું ઉતરતા કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ગઈ, બે મિત્રના મોત, 3ને ગંભીર ઈજા

  • December 10, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરાથી કારમાં સવાર પાંચ મિત્રો સાળંગપુર દર્શન કરવા જતા હતા ત્યારે તારાપુર-વટામણ હાઈવે સ્થિત વરસડા ગામની સીમમાં અચાનક કૂતરૂં આડું ઉતરતા કારના ચાલકે બ્રેક મારી હતી. જેમાં કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે બે મિત્રના સ્થળ પર જ મોત થયા હતા, ત્રણને ઈજા ગંભીર થઈ હતી.



વડોદરા શહેરમાં નાગરવાડા સાંઈનાથ મંદિર પાસે 33 વર્ષીય આકાશભાઈ વસંતભાઈ રાણા પરિવાર સાથે રહે છે. સાળંગપુર દર્શન કરવા જવું હોય નાગરવાડા વિસ્તારમાં રહેતા મિત્ર અનિલભાઈ મોહનભાઈ પંડ્યા, પ્રણવભાઈ કાંતિભાઈ પંડ્યા, અક્ષયભાઈ રાજપૂત તેમજ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા જિજ્ઞેશભાઈ સુરેશભાઈ વસાવાને જાણ કરતાં તેઓ તમામ સાળંગપુર જવા તૈયાર થયા હતા. જેને પગલે રાત્રે 10 વાગ્યાની આસપાસ આકાશભાઈ તેમની કાર લઈને અન્ય ચાર મિત્રોને લઈને વડોદરાથી સાળંગપુર જવા માટે નીકળ્યા હતા. તેઓ રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ તારાપુર-વટામણ હાઇવે રોડ ઉપર વરસડા ગામની સીમ જય અંબે હોટલ યુપી ઢાબા હોટલ પાસેથી તેઓ પસાર થતા હતા એ સમયે અચાનક કુતરું આડું ઉતર્યું હતું.


કારચાલક આકાશભાઈએ કુતરાને બચાવવા જતાં સ્ટિયરિંગ ફેરવતા બેકાબૂ કાર રોડની સાઈડમાંના ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. જેને પગલે ડ્રાઇવરની સીટની બાજુમાં બેઠેલા પ્રણવભાઈ કાંતિભાઈ પંડ્યાને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલક આકાશભાઈ સહિત અન્યને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં તબીબે જિજ્ઞેશને મૃત જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application