મોતનો LIVE વીડિયોઃ રાજકોટમાં 19 વર્ષનો યુવક રમકડાની દુકાનમાં કામ કરતો હતો ને ઢળી પડ્યો, હાર્ટ-એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ

  • April 26, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રમકડાના કારખાનામાં કામ કરતો એક 19 વર્ષનો યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. જોકે હોસ્પિટલ પહોંચે એ પહેલા તેનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. યુવક ઢળી પડ્યો તેના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.


આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી

અતુલકુમાર કેશવકુમાર કોલ (ઉં.વ.19)ને બેભાન હાલતમાં ગત ગુરૂવારની રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર રહેલા ડો.અશ્વિન રામાણીએ અતુલકુમારને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસચોકીના સ્ટાફ દ્વારા નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.


કારખાનામાં કાસ્ટિંગ પ્લાસ્ટિક લાઈન મોલ્ડિંગ મશીન પર કામ કરી રહ્યો હતો

મૃતકનાં પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે અતુલકુમાર ગોંડલ ચોકડી પાસે આવેલી રમકડાં બનાવતી ફ્લેક્સ ઝોન નામની કંપનીમાં કામ કરતો હતો. તે આશરે 10 મહિનાથી આ કંપનીમાં કામે લાગ્યો હતો, જેમાં વચ્ચે થોડો સમય પોતાના વતન ઉત્તરપ્રદેશ ગયો હતો. ત્યાંથી પરત આવી 10 દિવસ પહેલાં જ કંપનીમાં ફરી કામે લાગ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યે અતુલકુમાર કારખાનામાં કાસ્ટિંગ પ્લાસ્ટિક લાઈન મોલ્ડિંગ મશીન પર કામ કરી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જમીન પર પટકાતા તેને કપાળના ભાગે આંખ ઉપર સામાન્ય ઇજા પણ થઈ હતી. તુરંત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રે 11:30 વાગ્યા આસપાસ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

અતુલકુમાર બે ભાઈ, બે બહેનમાં ત્રીજા નંબરનો હતો. તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશ છે. મૃતદેહને વતનમાં લઈ જવા તજવીજ કરાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અતુલકુમાર જ્યાં કામ કરતો હતો એ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક તારણ હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application