BREAKING NEWS

દોઢ મિનિટ માટે ફેલ થતા જિંદગીથી હારી, રાજકોટમાં પોલીસ દોડ પરીક્ષામાં નિષ્ફળ જતા 19 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

  • February 11, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં PSI અને લોક રક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયા દરમિયાન એક દુખદ ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા બાદ 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતી અંજુમ અજીતખાન પઠાણ (ઉંમર 19 વર્ષ)એ પોતાના ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ સમયે ઘરમાં હાજર તેના માસીને કોઈ કામથી અંજુમને બોલાવવા જતાં દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. ઘણીવાર દરવાજો ખટખટાવ્યા છતાં પ્રતિસાદ ન મળતાં તેમણે જારીમાંથી અંદર નજર કરતાં અંજુમ લટકતી હાલતમાં જોવા મળી હતી. તુરંત જ પરિવારજનોએ દરવાજો તોડી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.


જાણ થતાં જ થોરાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, અંજુમ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી PSI-કોન્સ્ટેબલ ભરતી માટેની શારીરિક કસોટીમાં હાજર રહી હતી. 2 તારીખે યોજાયેલી દોડની પરિક્ષામાં તે અંદાજે દોઢ મિનિટથી સમય પૂર્ણ ન કરી શકતાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે.


પરિવારજનોના જણાવ્યા મુજબ, અંજુમ અપરણિત હતી અને PSI બનવાનું તેનું સપનું હતું. તે હાલમાં પી.જી.વી.સી.એલ.માં કસ્ટમર કેર વિભાગમાં નોકરી કરતી હતી અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતી હતી. દોડની પરીક્ષામાં નિષ્ફળતા મળતાં તે માનસિક રીતે હતાશ થઈ ગઈ હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યાના ચોક્કસ કારણ અંગે પરિવારજનો અજાણ હોવાનું જણાય છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ દુખદ ઘટનાએ સ્પર્ધાત્મક પરીક્ષાના દબાણ અને યુવાનોમાં વધતી માનસિક તણાવની સમસ્યાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application