૮૮૭૨ કર્મચારીઓ ચૂંટણીમાં કામ કરશે: ૧૮૭૯ ઇવીએમ મશીનો ગોઠવાશે: બંને જિલ્લામાં થઇને ૭ ડીસપેચ સેન્ટરો નકકી કરાયા: જામનગર જિલ્લાની ૫ વિધાનસભા બેઠકમાં ૧૨૪૫ મતદાન મથકો: સંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૭ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે બંને જિલ્લામાં થઇને કુલ ૧૮.૧૩ લાખ મતદારો મતદાન કરી શકશે. ૮૮૭૨ કર્મચારીઓ ચૂંટણીમાં કામગીરી કરશે, બંને જિલ્લામાં થઇને ૧૮૧૯ મતદાન મથકો ઉપર ઇવીએમ મશીનો ગોઠવી દેવામાં આવ્યા છે, જિલ્લામાં ૭ ડીસપેચ સેન્ટરો નકકી કરવામાં આવ્યા છે જયારે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે, કુલ ૨૯ હજાર યુવા મતદારો પણ મતદાન કરશે.
જિલ્લા કલેકટર ભાવિન પંડયાએ ગઇકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, આ મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વહિવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જામનગર જિલ્લાની ૫ વિધાનસભામાં ૧૨૪૫ અને દેવભુમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભામાં ૬૩૪ થઇ કુલ ૧૮૭૯ મતદાન મથકો ઉપર મતદાન યોજાશે. જામનગર જિલ્લામાં પ્રથમ વખત ૨૯૬૪૨ યુવા મતદારો મતદાન કરશે, તા.૧૫-૦૩-૨૦૨૪ સુધીમાં જિલ્લામાં ૨૮૮૯૫ મતદારો યોજાયા છે, સાતેય વિધાનસભામાં યુવા કર્મચારીઓ અને દિવ્યાંગ સંચાલીત એક-એક મતદાન મથક રહેશે, જયારે લોકસભા બેઠકના સાત વિધાનસભામાં ૨૨૪ ઝોનલ રુટ નકકી કરાયા છે, જેમાં જામનગરના ૧૪૮ અને દ્વારકાના ૭૬ ઝોનલ રુટ છે, દરેક રુટમાં એક-એક અધિકારીની નિમણુંક કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ૧૮૭૯ મતદાન મથકો માટે એટલા જ ઇવીએમ મશીન ગોઠવાશે અને ૨૦ ટકા મશીન ઇમરજન્સી માટે રાખવામાં આવ્યા છે, મશીનોની હેરફેર માટે ૭ ડીસપેચ અને રીસીવર સેન્ટર ગોઠવાયા છે, ધ્રોલમાં હરધ્રોળજી હાઇસ્કુલ, જામનગર ગ્રામ્યમાં હાલારી ઓશવાળ વિદ્યાલય, જામનગર ઉત્તરમાં ડીકેવી કોલેજ, જામનગર દક્ષિણમાં પ્રભુલાલ સંઘરાજ સ્કુલ, જામજોધપુરમાં વિવેકાનંદ શૈક્ષણિક સ્કુલ (લાલપુર), ખંભાળીયામાં પ્રાંત કચેરી અને દ્વારકામાં શારદાપીઠ કોલેજનો સમાવેશ થાય છે જયારે ૪ જુનના રોજ મત ગણતરી હરીયા કોલેજમાં કરવામાં આવશે. ૧૦૦ વર્ષથી વધુ ઉપરના ૨૭૩ વડીલ મતદારો પોસ્ટલ બેલેટ યુસ કરી શકશે, જેના માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
***
પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા આદેશ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંગે ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬/૦૩/૨૦૨૪ના રોજ જાહેરાત કરવામાં આવતા સમગ્ર રાજયમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે. ચુંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચુંટણી સંબંધિત સભા, સરઘસ/રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચુંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચુંટણીપંચનો અભિગમ રહેલો છે. આથી સમગ્ર જામનગર જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ ૨૨(૧ક) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસંધાને જામનગર જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના હથિયાર ૭ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે. આ હુકમ જામનગર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના તમામ અધિકારીઓે/કર્મચારીઓે, કે જેઓેને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે, તેમને અથવા ચુંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરના હોદાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહી. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં મુકિત આપવામા આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં ફરજ બજાવતા હોવાનું સંબધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટાગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. મોટા ઔધોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ/નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક/જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોઇ તેઓને લાગુ પડશે નહીં. જિલ્લાના જે પરવાનેદારોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ મેળવવાને પાત્ર હોય તેઓએ જિલ્લા કક્ષાએ ૪ દિવસમાં સ્ક્રિનિંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. ઉપરોકત તમામ હથિયારો ચુંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તા.૦૬/૦૬/૨૦૨૪ પછી દિવસ-૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ની કલમ ૩૦ તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
***
ફોર્મ ભરતી વખતે કચેરીથી ૧૦૦ મીટર વાહનો દુર રાખવા આદેશ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જશે ત્યારે ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપત્ર નથી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે તથા તેને સંબંધિત વાહનોના વિન્ડ સ્ક્રીન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે. ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવેલ વાહનોનું કોનવોયમાં ઉપયોગ કરવાના કિસ્સામાં ભારતના ચૂંટણીપંચની છેવટની સૂચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે. ઉમેદવારો કે તેની દરખાસ્ત કરનારાઓ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખી કે હંકારી શકશે નહીં. આ હુકમ તમામ પ્રકારના સરકારી, અર્ધ સરકારી વાહનો કે રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ કે જેમને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવતી હોય અથવા જેમની જીંદગીને ત્રાસવાદીઓની ધમકીના કારણે જોખમ હોય- તેમને પૂરી પાડવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા માટેના વાહનો કોનવોયના વાહનોની ગણતરીમાંથી બાકાત રહેશે. આ હુકમ તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
***
સરઘસ, સભા યોજવા કે તેમાં ભાગ લેવા તેમજ હથિયાર સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ થાય તે હેતુથી તેમજ જિલ્લામાં સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૪૪ એ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના આત્મ રક્ષણના તથા પાક રક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના પરવાનાવાળા હથિયારો સાથે કોઈ સરઘસ કાઢવા, કોઈ સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ હુકમ ફરજની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા, સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજૂર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ, તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઇડ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ફરજની રૂએ જેમણે હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા હોમગાર્ડના જવાનોને લાગુ પડશે નહિ. આ હુકમ તા. ૧૬/૦૩/૨૦૨૪ થી તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
***
ચોપાનીયાંના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના ૨ વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાંની ૨ નકલ મુદ્રકને અને દરેક મુદ્રણાલયોમાં ફોટોકોપી કરનાર, રોનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની ૧ નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ વધારાની ૩ નકલ સાથે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને ૩ દિવસમાં મોકલી આપવાની રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે પ્રેસ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે તેમજ મુદ્રણાલયનું લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવશે. આવા લખાણોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર્ય ખંડન જેવી કોઈ ગેરકાનૂની બાબતોનું સમાવેશ કરી શકશે નહિ. જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓએ કે ફોટોકોપી કરનાર, રોનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનાર સંચાલકોએ તેમના નામ અને સરનામાં અંગેની માહિતી ૨ દિવસમાં સબંધિત મામલતદારની કચેરીના સરનામે મોકલી આપવાની રહેશે. મતદારોના માર્ગદર્શન માટે છાપવામાં આવતી ઓળખ કાપલીમાં કોઈ ચોક્કસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેમજ પ્રકાશક ઉમેદવાર કે પક્ષના નામ છાપવાના રહેશે નહિ, તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
***
જામનગર જિલ્લામાં ૪ કરતા વધુ વ્યક્તિઓની મંડળી રચવા અને સરઘસ પર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી તેથી સમગ્ર જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ., ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ, એન.સી.સી. વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને અને ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત કાર્યપાલક મેજિસ્ટ્રેટ દવારા મંજુરી આપેલ વ્યકિતઓને લાગુ પડશે નહીં.આ હુકમ ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (૦૬/૦૬/૨૦૨૪ )અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
***
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ કૃત્યો પર જરૂરી પ્રતિબંધો મુકાયા
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા બંધારણની કલમ-૩૨૪ મુજબ બાહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓના અમલ માટે જામનગર જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૭(૧) (છ) હેઠળ જામનગર જિલ્લાના વિસ્તારમાં જાહેરનામાંની તારીખથી શરૂ કરીને ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (તા.૦૬/૦૬/૨૦૨૪) નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.
જે મુજબ છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના મદદનીશ નિવાર્ચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, કે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાંના કોઈપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯પ૧ની કલમ-૧૩પ(૧) મુજબ ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.
***
ચુંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન ન કરવા પર પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬ માર્ચના રોજ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવતાંની સાથે જ સમગ્ર જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેને ધ્યાને લેતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જાહેર સાહસોના મકાનો, વીજળી અને ટેલિફોનના થાંભલાઓ પર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઈપણ ચૂંટણી અંગેનું બેનર, ચિહ્નો, આકૃત્તિઓ, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહિ, તેમજ કમાનો પણ ઊભી કરવી નહિ.
આ સિવાયના મકાનો ઉપર ચૂંટણી પ્રચાર સંબંધિત કોઈપણ સાહિત્ય મકાન માલિકની પૂર્વ મંજૂરી સિવાય પ્રદર્શિત કરવું નહિ. આ હુકમ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછા ૪ મહિના અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.
***
મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ કાર્યાલય ખોલવા માટે પ્રતિબંધ
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને, શ્રધ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફીકની ગેરવ્યવસ્થા થવાની પુરેપુરી સંભાવના રહે છે. જેના કારણે જાહેર સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર પડી શકે છે. ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ ચૂંટણી આચાર સંહિતાના અમલ માટે તથા જામનગર જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ તળ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામું ફરમાવેલ છે.
***
જામનગર જિલ્લાના હદ વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ રહેશે
ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષાણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ/ સંકુલની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. ઉપરોકત હુકમનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. આવા બેનરની સાઈઝ ૪ ફુટ સ ૮ ફુટની મર્યાદામાં રાખવાની રહેશે.
કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી. સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
***
જામ્યુકો દ્વારા ૫૦૦થી વધુ બોર્ડ ઉતારાયા
જામનગર તા ૧૬, આગામી લોકસભાની ચૂંટણીનું દેશના ચૂંટણી પંચ દ્વારા એલાન કર્યા પછી આગામી લોકસભાની ચૂંટણીને લઈને જામનગર શહેરમાં આચારસંહિતાની અમલવારીનો પ્રારંભ કરી દેવાયો છે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી ત્રણ ટુકડીઓ બનાવીને રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારના બોર્ડ વગેરે ઉતારવાનું શરૂ કરી દેવાયું હતું. શનિવાર બપોર બાદ ૫૦૦થી વધુ જેટલા હોર્ડીગ્સ બોર્ડ કોર્પોરેશનની ટીમે ઉતારી લીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech