રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર ગઇકાલે એક પરિણીત બહેન દ્વારા મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. બહેનએ જણાવ્યું હતું કે તેમના પતિ દ્વારા સતત હેરાનગતિ, માનસિક ત્રાસ અને નશાખોરીને કારણે તેમનું વૈવાહિક જીવન ગંભીર સંકટમાં મુકાયું છે.
જેમાં બહેનનો કોલ આવતા ની સાથે જ ૧૮૧ ટીમ ના કાઉન્સિલર ઈશિતા પરમાર, કોન્સ્ફટેબલ તારાબેન ચૌહાણ, પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિતની ટીમ સ્થળ પર પહોંચેલ. જેમાં બહેનના જણાવ્યા અનુસાર તેમના લગ્નને અંદાજે ૯ વર્ષ થઈ ગયા છે અને તેમને બે સંતાન છે. પતિ નસાકારક દ્રવ્યનું સેવન કરે છે અને આ વ્યસનના કારણે પરિવારની જવાબદારીઓ નિભાવતો નથી. બહેન બે દિવસ માટે બાળકો સાથે પિયર ગઈ હતી, તે દરમિયાન પતિએ ઘરના અડધા કરતાં વધુ સામાન વેચી નાખ્યો હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી.
મહિલા હેલ્પલાઇન ૧૮૧ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસર અને માનવતાવાદી દૃષ્ટિકોણથી કાઉન્સેલિંગ કર્યું. પતિને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું કે પતિ તરીકે તથા પિતા તરીકે તેમની ફરજો શું છે, અને ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ તથા આર્થિક શોષણ ભારતીય કાયદા મુજબ ગુનાહિત કૃત્ય છે.
પતિને સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. તેને જણાવાયું કે જો ફરીથી આવી હરકત કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે. કાઉન્સેલિંગ દરમિયાન પતિએ લેખિત તથા મૌખિક ખાતરી આપી કે હવે પછી તે નશાખોરી નહીં કરે ઘરના સામાનની વેચાણ નહીં કરે, પત્ની અને બાળકોની જવાબદારી નિભાવશે. આ ખાતરી બાદ બહેન ભાવુક થઈ ગઈ અને બંને વચ્ચે સુખદ સમાધાન થયું. મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીથી એક પરિવાર તૂટતા બચ્યો અને બાળકોને સુરક્ષિત ભવિષ્ય મળ્યું છે.