BREAKING NEWS

જામનગરની ૧૮૧ અભયમ ટીમ દ્વારા વિદેશી મહિલાને કાઉન્સેલિંગ દ્વારા ડિપ્રેશનના અંધકારમાંથી ઉગારી

  • April 01, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ૧૮૧ અભયમ ટીમની સરાહનીય કામગીરી

માનસિક આઘાતમાં સરી પડેલી વિદેશી મહિલાને કાઉન્સેલિંગ દ્વારા ડિપ્રેશનના અંધકારમાંથી ઉગારી

​હોટલના રૂમમાં કેદ થઈ બેભાન અવસ્થામાં પહોંચેલ મહિલા માટે અભયમ ટીમે ગણતરીની મિનિટોમાં વહારે આવી હૂંફ અને પરામર્શ પૂરું પાડ્યું

​"સેવા પરમો ધર્મ"ના સૂત્રને જામનગરની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે.

જામનગરમાં દાંતની સારવાર અર્થે આવેલી એક વિદેશી મહિલા કૌટુંબિક કારણોસર માનસિક રીતે ભાંગી પડતા ૧૮૧ અભયમની ટીમે સમયસૂચકતા વાપરી તેને સુરક્ષિત રીતે ડિપ્રેશનમાંથી બહાર લાવી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહિલા જામનગરની એક હોટલમાં રોકાયા હતા, તે દરમિયાન પોતાની દીકરીનો ફોન આવતા કોઈ અંગત કારણોસર તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. માનસિક તણાવ એટલી હદે વધી ગયો હતો કે મહિલાએ પોતાની જાતને હોટલના રૂમમાં કેદ કરી લીધી હતી અને અતિશય ચિંતાને કારણે તેઓ બેભાન જેવી અવસ્થામાં ફસાઈ ગયા હતા.

​હોટલ સ્ટાફ દ્વારા આ ગંભીર પરિસ્થિતિ અંગે ૧૮૧ હેલ્પલાઇન પર સંપર્ક કરવામાં આવતા જામનગર અભયમ ટીમના કાઉન્સેલર મનિષા આર. વઢવાણા, એ.એસ.આઈ. તારાબેન અને પાયલોટ ભાયાભાઈ જોગલ પળવારનો પણ વિલંબ કર્યા વગર માત્ર ૩ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
​​​​​​​

શરૂઆતમાં મહિલા અત્યંત ડરેલી અને અસુરક્ષિત અનુભવતી હતી, પરંતુ અભયમની ટીમે ખૂબ જ ધીરજપૂર્વક તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ટીમના સભ્યોએ મહિલાને જરૂરી ભાષાકીય અને માનસિક ટેકો પૂરો પાડી તેના મનમાં ચાલતી ગડમથલ શાંત કરી હતી. લાંબા સમયના સચોટ કાઉન્સેલિંગ બાદ મહિલાએ રડવાનું બંધ કર્યું હતું અને ધીમે-ધીમે સામાન્ય અવસ્થામાં પરત ફર્યા હતા. ૧૮૧ ની ટીમે વિદેશી મહેમાનની સુરક્ષા અને સ્વાસ્થ્ય જાળવીને માનવતા મહેકાવી હતી, જે બદલ મહિલા અને હોટલ સ્ટાફે ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News