જામનગરની જી.જી હોસ્પિટલના મ્યુકોર્માઈકોસિસના વોર્ડના દાખલ થયેલા ૧૯ દર્દીઓએ અધુરી સારવારે હોસ્પિટલ છોડી

  • July 06, 2021 11:01 AM 

જી.જી. હોસ્પિટલમાં કરાયેલી ૧૮૧ સર્જરી પૈકી ૬૦ જેટલા દર્દીઓના જડબા સહીતનો હિસ્સો કાઢવો પડ્યો

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના મ્યુકોર્માઇકોસિસ ના વોર્ડમાં અત્યાર સુધીમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી ૧૯ દર્દીઓ એવા હતા, કે જેઓએ કોઈપણ પ્રકારની હોસ્પિટલ ને જાણ કર્યા વગર હોસ્પિટલ છોડી દીધી છે. જ્યારે બે દર્દીઓ અધુરી સારવાર સાથે રજા મેળવીને ચાલ્યા ગયા છે. ઉપરાંત સરકારી જી.જી.હોસ્પિટલમાં કરવામાં આવેલી ૧૮૧ મેજર સર્જરી પૈકી ૬૦થી વધુ દર્દીઓ ના જડબા સહિતનો કેટલોક હિસ્સો કાઢવો પડ્યો છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકર વોર્ડ શરૂ કરાયા પછી તેમાં અત્યાર સુધીમાં ૨૫૪ જેટલા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જે પૈકીના ૧૯ દર્દીઓ એવા છે કે જેઓની સારવાર ચાલી રહી હતી, દરમિયાન હોસ્પિટલ તંત્રને જાણ કર્યા વિના અથવા તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યા વિના જી.જી. હોસ્પિટલ છોડી દીધી હોય હોય તેવા દર્દીઓનો આંકડો ઓગણીસનો થયો છે. ઉપરાંત બે દર્દીઓ અધુરી સારવાર છોડીને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે રજા મેળવીને હોસ્પિટલ છોડી ગયા છે.

ઉપરાંત મ્યુકરના વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને અંદાજે એક મહિના જેટલી સારવાર લેવી પડે છે, તેમજ ૮૦ થી ૧૨૦ જેટલા ઇન્જેક્શનો લેવાના હોય છે, જે સારવારની પ્રક્રિયા લાંબી છે, તેમજ વારંવાર સોય લગાવવાના કારણે અત્યંત દુ:ખાવો થવો, તેમજ તેની આડ અસર થવી, ઉપરાંત છ કલાક સુધી ઇન્જેક્શન સાથેના બાટલાઓ ચાલુ રાખવા વગેરે સારવારથી કેટલાક દર્દીઓ કંટાળી જાય છે, જે પૈકીના ૧૯ દર્દીઓએ અધુરી સારવાર છોડીને ચાલ્યા ગયાનું જાણવા મળી રહ્યું છે. જોકે બે દર્દીઓ સામેથી રજા મેળવીને અન્ય શિફ્ટ થયા છે.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૧૮૧ મેજર સર્જરી કરવામાં આવી હતી. જે પૈકી છ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. જ્યારે બાકીના ૬૦થી વધુ દર્દીઓ એવા છે કે, જેમના જડબાનો કેટલો હિસ્સો, દાંતનો ભાગ, નાકનો ભાગ, અથવા તો મોઢાના હીસ્સા પૈકીનો કેટલોક ભાગ સર્જરી કરીને કાઢવો પડ્યો હોય, આશરે ૬૦ થી વધુ દર્દીઓએ મેજર સર્જરી દરમિયાન પોતાના મોઢા-નાકનો હિસ્સો કઢાવવો પડ્યો છે. જોકે આવી મેજર સર્જરી થઈ ગયા પછી અનેક દર્દીઓ સાજા થઇ ગયા છે, અને તેઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે. જેમાં આંખના વિભાગ, ઉપરાંત દાંતને કાન-નાક-ગળાના વિભાગના તમામ તબીબોની પેનલ મારફતે સર્જરી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS