'16 વર્ષની રેસલર સાથે પણ દુર્વ્યવહાર,વીડિયો પુરાવા પણ છે', મહિલા રેસલર્સના વકીલના સુપ્રીમ કોર્ટમાં આકરા પ્રહર

  • April 26, 2023 12:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠેલી મહિલા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મહિલા ખેલાડીઓની અરજી પર કોર્ટે આજે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. ખેલાડીઓનું કહેવું છે કે યૌન ઉત્પીડન જેવા ગંભીર ગુનાની ફરિયાદ કર્યા બાદ પણ દિલ્હી પોલીસે ન તો એફઆઈઆર નોંધી છે કે ન તો કોઈ કાર્યવાહી કરી છે. આ મામલે આગામી સુનાવણી શુક્રવાર, 28 એપ્રિલે થશે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે 7 મહિલા કુસ્તીબાજો વતી દાખલ કરેલી અરજીને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ મૂકી હતી. તેમણે કહ્યું કે આ મહિલાઓ એવી છે, જેમણે દેશ માટે મેડલ જીત્યા છે. આ બધાએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. આમાંની એક મહિલા ખેલાડી એવી છે કે જ્યારે તેની સાથે દુર્વ્યવહાર થયો ત્યારે તે માત્ર 16 વર્ષની હતી. 21 એપ્રિલે દિલ્હી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે ગંભીર ગુનાની ફરિયાદ પર રિપોર્ટ દાખલ કરવાની પોલીસની ફરજ છે. જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સિબ્બલે કહ્યું, "સુપ્રીમ કોર્ટે પણ પોતાના જૂના નિર્ણયોમાં કહ્યું છે કે પોલીસે આવા અપરાધની ફરિયાદ પર એફઆઈઆર નોંધવી જોઈએ, પરંતુ તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી."


વરિષ્ઠ વકીલે કહ્યું કે જે પણ ફરિયાદ આપવામાં આવી છે, વીડિયો પુરાવા સહિત અન્ય પુરાવા ઉપલબ્ધ છે. આ સીલબંધ એન્વલપ્સમાં સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યા છે. તેમણે કોર્ટને વિનંતી કરી કે મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેની ગુપ્તતા જાળવવામાં આવે. ચીફ જસ્ટિસે આ વિનંતી સ્વીકારી હતી. તેમણે કહ્યું કે સીલબંધ પરબીડિયામાં આપેલી ફરિયાદને પાછી સીલ કરવી જોઈએ. તેણે એમ પણ કહ્યું કે અરજદાર ખેલાડીઓના નામ જાહેર ન કરવા જોઈએ.


મુખ્ય ન્યાયાધીશ સંમત થયા કે આ આરોપો ખૂબ ગંભીર છે. સુનાવણીના અંતે, દિલ્હી પોલીસને નોટિસ જારી કરતી વખતે, તેમણે અરજદારોને વ્યક્તિગત રીતે દિલ્હી સરકારના વકીલને નોટિસ સોંપવાની મંજૂરી આપી. કોર્ટે આગામી સુનાવણી શુક્રવાર, 28 એપ્રિલના રોજ કરવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application