દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે 16 ફ્લાઈટ કરાઈ ડાયવર્ટ, અમિત શાહની નોઈડા મુલાકાત કરાઈ રદ્દ, ઓનલાઈન સભાને સંબોધિત કરી

  • April 13, 2024 08:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. લોકોને ગરમીથી રાહત મળી હતી. જ્યારે ખરાબ હવામાનને કારણે આજે બપોરે દિલ્હીમાં 16 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.


મહત્વનું છે કે, શનિવારે અચાનક દિલ્હીના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ખરાબ હવામાનને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની નોઈડા મુલાકાતને પણ રદ્દ કરવામાં આવી હતી. જોકે તેમણે ડિજિટલ માધ્યમથી ચૂંટણીની રેલીને સંબોધી હતી. નોંધનીય છે કે જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ગૌતમ બુદ્ધ નગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર ડો.મહેશ શર્માને જંગી મતથી જીતાડવાની અપીલ કરી હતી.


અમિત શાહે દાવો કર્યો કે ભાજપે ગૌતમ બુદ્ધ નગરના વિકાસ માટે અભૂતપૂર્વ કામ કર્યું છે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી લઈને હાઈવે, ઔદ્યોગિક વિકાસ અને વિદેશી મૂડીરોકાણ સુધીના પ્રોજેક્ટની યાદ અપાવતા તેમણે મતદારોને ભાજપના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી.


તેમણે વધુમાં કહ્યું હતુ કે, ખરાબ હવામાનને કારણે તેઓ જાહેર સભામાં ન આવી શક્યા, પરંતુ તેઓ હંમેશા ગૌતમ બુદ્ધ નગરના લોકો સાથે જોડાયેલા રહ્યા છે.


મહેશ શર્માએ કહ્યું કે ગૌતમ બુદ્ધ નગર લોકસભા સીટ પરથી તેમને ભારે જનસમર્થન મળી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે જીતનું માર્જિન ગત વખત કરતા વધુ રહેશે. ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી રેલીમાં ઉમટેલી ભીડને કારણે ટ્રાફિક પોલીસે અનેક માર્ગો પર ટ્રાફિકમાં ફેરફાર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application