સુરત : ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરીવાર પર ડમ્પર ફરી વળ્યું, 15ના મોત
સુરત : ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરીવાર પર ડમ્પર ફરી વળ્યું, 15ના મોત
January 19, 2021 08:05 PM 3772 views
કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક એક ડમ્પર ફૂટપાથ પર સુતા લોકો પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 3 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જાણવા મળ્યાનુસાર ડમ્પર ચાલક અને ક્લિનર બંનેની ધરપકડ કરવામાં આવી છે. ડમ્પર ચાલક પીધેલી હાલતમાં હોવાનું પણ બહાર આવ્યું છે.
જાણવા મળ્યાનુસાર મૃત્યુ પામનાર લોકો મૂળ બાસવાડાના વતની હતા તેઓ છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. સોમવારે મોડી રાત્રે 12 કલાક આસપાસ કિમથી માંડવી તરફ જતા ડમ્પર ચાલકે કિમ ચાર રસ્તા તરફ જતા શેરડી ભરેલા ટ્રેકટરને ટક્કર મારી અને ત્યારબાદ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ફૂટપાથ પર ચઢી ગયું જ્યાં સુતેલા 20 શ્રમિકો તેના નીચે કચડાઈ ગયા. તેમાંથી 12ના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા જ્યારે 8ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 3ના મોત સારવાર દરમિયાન થયા હતા.
આ ઘટના બાદ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પણ ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટના ને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓ ના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજી ની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવી ને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે