પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી જતી પરિસ્થિતિની સીધી અસર હવે ગુજરાતના હવાઈ માર્ગો પર જોવા મળી રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને અહીં આવતી 15 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક મળીને કુલ 20 ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વના દેશોના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) અસુરક્ષિત બન્યા છે. સલામતીના કારણોસર ઘણી એરલાઈન્સે તેમના રૂટ બદલ્યા છે અથવા ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. અમદાવાદથી મધ્ય પૂર્વના દેશો તરફ જતી ફ્લાઈટ્સ પર આની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકો માટે ગુરુવારનો દિવસ મુશ્કેલીભર્યો રહ્યો હતો. રદ થયેલી મુખ્ય ફ્લાઈટ્સમાં કુવૈત, દુબઈ અને શારજાહથી અમદાવાદ આવતી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અમદાવાદથી દોહા, દુબઈ અને બગદાદ તરફ જતી ફ્લાઈટ્સને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ખોરવાતા તેની અસર અન્ય પાંચ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર પણ પડી છે.
અચાનક ફ્લાઈટ્સ રદ થવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને વિદેશમાં નોકરી કે વ્યવસાય અર્થે જતા લોકો અને પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા મુસાફરોને રિફંડ અથવા વૈકલ્પિક વ્યવસ્થાના આશ્વાસન આપવામાં આવી રહ્યા છે, પરંતુ અનિશ્ચિતતાને કારણે મુસાફરોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
જો મધ્ય પૂર્વમાં તણાવ હજુ વધશે, તો આગામી દિવસોમાં એર ટિકિટના ભાવમાં વધારો થવાની અને વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થવાની શક્યતા છે.