જામનગરના સંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથાનું આજથી આયોજન
જામનગરના નાનકપુરીમાં આવેલ સિંધી સમાજના સૂફી સંત અમર શહીદ કંવરરામ સાહેબનાના ૧૪૦ જન્મોત્સવને લઈ ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલની અમરકથાનો ત્રિદિવસીય આયોજન બાદ ચોથા દિવસે-ભગત કંવરરામ સાહેબના જન્મજયંતીની ઉજવણી કરાશે.
તા. ૧૦ એપ્રિલ થી ૧૨ એપ્રિલ ભગવાન ઝુલેલાલ જીવની ઝુલેલાલ અમરકથાનું ત્રિદિવસીય આયોજન કરાયુ છે જેમાં ઈન્દોરથી કથાવચક ગુરમુખદાસ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે આ કથાનું વ્યાસપીઠેથી કંઠન કરી ભક્તોને કથાનું રસપાન કરાવશે. આ કથાની તા.૧૨ એપ્રિલના સમાપ્તી કરી ભોગ લગાવવામાં આવશે અને ફેરી સરઘસ કાઢવામાં આવશે પછી ભંડારા પ્રસાદનું આયોજન કરાયું છે.
રાત્રિના ઝુલેલાલ મ્યુઝિક સત્સંગ ભજનનું આયોજન કરાયું છે. જે બાદ ૧૩ એપ્રિલે ભગત કંવરરામ સાહેબના ૧૪૦ મો જન્મોત્સવ તિથિની ઉજવણી કરાશે જેમાં સવારે ધ્વજારોહણ કરી મંગલા આરતી બાદ સાંજે ૬ કલાકે મંદિર નજીકના વિસ્તારમાં ફેરી સરઘસ બાદ ભંડારા પ્રસાદનું આયોજન કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંત કંવરરામ એક સિંધી સૂફી ગાયક અને કવિ હતા. તેઓ રહરકીના સંત સતરામ દાસ સાહેબના શિષ્ય હતા. કંવરરામનો જન્મ તારાચંદ મોરેરા અને તીરથ બાઈને ૧૩ એપ્રિલ ૧૮૮૫ના રોજ જરવાર ગામમાં, સુક્કર (સાખર) જિલ્લા, સિંધ, બ્રિટિશ ભારતમાં થયો હતો. નવેમ્બર ૧૯૩૯માં સુક્કુર જિલ્લાના રુક રેલ્વે સ્ટેશન પર ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. તેઓ સિંધમાં હિન્દુ અને મુસ્લિમ સિંધી બંને સમુદાયોમાં લોકપ્રિય હતા.
ભગત કંવરરામ, કવિના જીવન પર આધારિત ભારતીય સિંધી ભાષાની ફિલ્મ, જેનું દિગ્દર્શન ધરમ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું, તે ૧૯૫૨માં રિલીઝ થઈ હતી. ૨૬ એપ્રિલ ૨૦૧૦ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
આ તકે ધર્મપ્રેમીઓને ત્રિદિવસીય કથાનો અને જન્મજયંતી પ્રસંગનો લાભ લેવા સંત કંવરરામ સાહેબ મંદિર સેવા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.